લંડનઃ પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે કાર્ડિફ સનાતન મંદિરમાં શિવ કથાનું આયોજન કરાયું હતું. સુરતના જાણીતા કથાકાર શ્રી ભરતભાઈ ભગત દ્વારા કરાયેલી કથામાં શિવ પુરાણ માહાત્મ્ય, 12 જ્યોતિર્લિંગ કથા, શિવ લિંગ, રૂદ્રાક્ષ અને ભસ્મ મહિમા, ગણેશ જન્મોત્સવ સહિતના વિષયો આવરી લેવાયા હતા. આ ઉપરાંત, તેમણે રામ, કૃષ્ણ અને જલારામ બાપાની કેટલીક કથાઓનું વાંચન પણ કર્યું હતું.
સહુ ભાવિકજનોને કથા સાંભળવામાં આનંદ આવ્યો હતો અને ભવ્યતા સાથે શિવપાર્વતી વિવાહની ઊજવણી પણ કરવામાં આવી હતી. શ્રી શિવ ભગવાન માટે યજમાનપદે સ્મિતાબહેન રિદ્ધિશ|ભાઈ આહ્યા અને પાર્વતીજી માટે યજમાનપદે સંધ્યાબહેન પંકજભાઈ ગજ્જર હતાં. શિવ અને પાર્વતીજી મૂર્તિઓનો વરરાજા અને નવવધૂ તરીકે સુંદર શણગાર કરવાની કામગીરી ડેકોરેટિંગ ટીમે સંભાળી હતી. પુષ્પોથી છવાયેલા મંડપની રચનાનું કામકાજ મંદિરના સ્વયંસેવકોએ સંભાળી લીધું હતું. લગ્નગીતો, થાળ અને આરતી સાથે શિવપાર્વતી વિવાહને ઊજવાયો હતો. કાર્યક્રમના સમાપને મહાપ્રસાદ પીરસાયો હતો જેના માટે રસોઈની કામગીરી મંદિરના કિચન વોલન્ટીઅર્સે સંભાળી હતી.