કાર્ડિફઃ VJ Dayની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે બીજા વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને યાદ કરવા અને ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કાર્યક્રમ યોજાયો હતો. તેમાં વેલ્શના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ ઉપસ્થિત રહ્યા હતા. બપોરે કાર્ડિફ કાસલ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમમાં આમંત્રિતોની સંખ્યા ખૂબ મર્યાદિત રખાઈ હતી. કોવિડ-૧૯ના નવા નિયમોનું પાલન થઈ શકે તે હેતુસર માત્ર નોંધાયેલા મહેમાનોને પ્રવેશ અપાયો હતો.
કાર્ડિફ કાસલ ખાતે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ તથા વેલ્શમાં ભારતીય હાઈ કમિશનના પ્રતિનિધિ રાજ અગ્રવાલે સંબોધન કર્યું હતું.
ડ્રેકફોર્ડે જણાવ્યું હતું કે ભારત સાથેના આપણા સંબંધો હકારાત્મક છે તેની આપણે પ્રસંશા કરીએ તે મહત્ત્વનું છે. આવા કાર્યક્રમો તે માટે યોગ્ય તક પૂરી પાડે છે.
રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે આપણે ભારતની આઝાદી અને આપણા બન્ને દેશો વચ્ચેના સંબંધોને બીરદાવવા સમય કાઢીએ છીએ તે મહત્ત્વનું છે. આજનો દિવસ VJ Dayની ૭૫મી વાર્ષિક તિથિ છે તે યાદ કરીએ તે પણ મહત્ત્વનું છે. આપણી આઝાદી માટે બીજું વિશ્વયુદ્ધ લડતાં ભારતીય લશ્કરના ૮૭,૦૦૦ સૈનિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા તે ઘટનાનું ચિંતન કરવું જોઈએ.
ભારતના કોન્સુલ રાજ અગ્રવાલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં લોર્ડ મેયર ઓફ કાર્ડિફ ડેનિયલ દ’એથ તેમજ બ્રિગેડિયર જોક ફ્રેઝર (રોયલ નેવી), બ્રિગેડિયર એન્ડ્ર્યુ ડેવેસ (આર્મી), એર કોમોડોર એડ્રીયન વિલિયમ્સ (RAF), આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ ACC ડેવિડ થોર્ન અને હાઈ શેરિફ એન્ડ્ર્યુ હોવેલ સહિત પોલીસ અને આર્મ્ડ ફોર્સિસના સિનિયર ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.