અમદાવાદઃ કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના યુગની શરૂઆત થઈ છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે આજે ભારત વિકાસના પંથે આગળ વધી રહ્યુ છે. આપણી વિરાસતોમાંથી પ્રેરણા લઈને વિકસિત ભારતના નિર્માણ તરફ આપણે ગતિ કરવાની છે. સનાતન ધર્મ સંસ્કૃતિ, સમાજ ઉત્થાન માટે સતત પ્રવૃત્ત સંતવર્યો - ગુરુજનોની વિરાસતને આપણે આગળ ધપાવવાની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના કથનને અનુસરીને અમૃતકાળમાં આ નવા યુગને નવા સૂર્યનો ઉદય કરનારો, અંબરથી પણ ઊંચે ભારત માતાને લઈ જવાનો, નવા ભારતના નિર્માણનો યુગ બનાવવો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નૂતન ભારતના નિર્માણ સાથે આપણી વિરાસત સમા સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને તેની સાથે જોડાયેલા રહેવું પણ એટલું જ આવશ્યક છે. સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય ઋષિ સંસ્કૃતિને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
મુખ્યમંત્રીએ આ સંદર્ભે વધુમાં કહ્યું કે, BAPSનો કાર્યકર સુવર્ણ મહોત્સવ, નૂતન ભારતના નિર્માણનો પ્રેરક ઉત્સવ છે. સુવર્ણ કાર્યકરોનો આ સુવર્ણ મહોત્સવ છે. માત્ર 11 કાર્યકરોથી શરૂ થયેલી યાત્રામાં આજે પૂજ્ય મહંત સ્વામીની નિશ્રામાં એક લાખ કાર્યકરો નિસ્વાર્થપણે સમાજ સેવામાં કાર્યરત છે.