લંડનઃ યુકેસ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ 6 મે, શનિવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે નામદાર કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાના ઐતિહાસિક કોરોનેશન તેમજ નીસડન ટેમ્પલમાં સાંજની વિશેષ આદરાંજલિ સાથે ઉપસ્થિતિ નોંધાવી હતી.
વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાજ્યાભિષેક સમારોહમાં શુભેચ્છાના સંયુક્ત સંદેશા સાથે નામદાર કિંગ ચાર્લ્સનું અભિવાદન કરવા BAPS UK ના ચેરપર્સન જીતુ પટેલને અન્ય ધર્મોના વરિષ્ઠ અગ્રણીઓ સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ જ દિવસની સાંજે નીસડન ટેમ્પલમાં વિશેષ આદરાંજલિ યોજાઈ હતી જેમાં, મંદિરના મુખ્ય સ્વામી યોગવિવેકદાસ સ્વામી અને BAPS UK દ્વારા નામદાર કિંગ અને ક્વીનને શુભેચ્છા પાઠવાઈ હતી અને ચાર દાયકાથી વધુ સમયગાળામાં કિંગ ચાર્લ્સના BAPS સાથે ઉષ્માપૂર્ણ અને મૈત્રીસભર સંબંધોને તેમજ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ માટે તેમના અંગત સ્નેહ અને આદરને યાદ કરાયા હતા.
પૂજ્ય મહંત સ્વામી મહારાજે નામદાર કિંગ ચાર્લ્સ તૃતીયને અંગત પત્ર લખ્યો હતો જેમાં, તેમણે વૈશ્વિક BAPS સ્વામિનારાયણ અનુયાયીગણ વતી તેમના ઉષ્માસભર અભિનંદન પાઠવ્યા હતા. મહંત સ્વામી મહારાજે પવિત્રતાના પ્રતીક સ્વરૂપે પરંપરાગત દીપ પ્રગટાવ્યો તે પહેલાના કાર્યક્રમમાં આ પત્ર જાહેર કરાયો હતો. નાના બાળકો પ્રાચીન વેદિક પ્રાર્થના શાંતિપાઠનું ઉચ્ચારણ કરતાં હતાં ત્યારે ભક્તોની સમગ્ર સભાએ સમગ્ર વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતા જળવાઈ રહે તેની પ્રાર્થના કરી હતી.
પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના પ્રવચનમાં હિઝ મેજેસ્ટીને પોતાના અભિનંદનનો પુનરુચ્ચાર કરતા કહ્યું હતું કે, ‘કિંગનું સ્વાસ્થ્ય સારું રહે અને તેઓ ન્યાયપરાયણતા અને નૈતિક દૃઢતા સાથે આ દેશની જનતાની સેવા કરી શકે તેવી પ્રાર્થના’ તેઓ કરે છે.
જીતુભાઇ પટેલે પોતાના અનુભવ વર્ણવતા કહ્યું હતું કે,‘પૂજ્ય મહંત સ્વામી મહારાજ, નીસડન ટેમ્પલના સ્વામીઓ અને ભક્તો તેમજ વ્યાપક વૈશ્વિક BAPS હિન્દુ અનુયાયીગણનું પ્રતિનિધિત્વ કરવું તે ગૌરવ અને વિશેષાધિકાર હતો. આ ઐતિહાસિક પ્રસંગને ઉજવવા અન્ય ધર્મોના અગ્રણીઓની સાથે જોડાવાનું ખાસ રીતે યોગ્ય હતું કારણકે તમામ ધર્મોના સંરક્ષક બની રહેવા કિંગની બાંયધરીની આ સાચી ઘોષણા હતી.
‘આપણે બધાં જ કોરોનેશન બિગ લંચ અને બિગ હેલ્પ આઉટ ઈવેન્ટ્સમાં ભાગ લેવામાં સમાનપણે રાજી છીએ, જેનાથી સારા ઉદ્દેશ, એવા મૂલ્યો જેમાં નામદાર કિંગ અને BAPS ખાતે આપણે ઊંડાણપૂર્વક સહભાગી છીએ તેના માટે સમગ્ર દેશમાંથી કોમ્યુનિટીઓ એક સાથે આવશે.’ બિગ લંચનું આયોજન 7 મે, રવિવારે નીસડન ટેમ્પલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં, આનંદ, ફૂડ અને મૈત્રી માટે પડાશી અને સ્થાનિક કોમ્યુનિટીના સભ્યો એકત્ર થયા હતા.
બિગ હેલ્પ આઉટ ઈવેન્ટનું આયોજન 8 મે, સોમવારે નીસડન ટેમ્પલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દિવસ દરમિયાન, નિઃશુલ્ક કોમ્યુનિટી હેલ્થ સ્ક્રીનિંગ્સ તેમજ NSPCC સાથે પાર્ટનરશિપમાં મંદિરમાં વોલન્ટીઅર્સ અને સમગ્ર કોમ્યુનિટીના પેરન્ટ્સ બાળકોની ઓનલાઈન સલામતીને સપોર્ટ કરવા ટુંકો ટ્રેઈનિંગ કોર્સ કરે તે માટે પ્રોત્સાહન અપાયું હતું.
પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં...
• 15 મેઃ મહિલા ભક્તિ દિન - એકાદશી અન્નકૂટ ઉત્સવ (સમયઃ સવારે 10.00થી 12.00)
• 16 મેઃ પૂજા દર્શન (સમયઃ 6.00થી 7.30)
• 16 મેઃ યોગી જયંતી - પ.પૂ. યોગીજી મહારાજની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ‘અમારા જોગીઃ બિયોન્ડ ધ સ્માઇલ’ નાટ્યકૃતિ (સમયઃ સાંજે 5.30થી 8.00)
• 18 મેઃ પૂજા દર્શન (સવારે 6.00થી 7.30)
• 18 મેઃ વડીલ દિન - 65 વર્ષથી મોટી વયના તમામ માટે અક્ષર પુરુષોત્તમ મહારાજની નિશ્રામાં ‘જીવિત ક્રિયા’ મહાપૂજા
• 19 મેઃ પૂજા દર્શન (સવારે 6.00થી 7.30)