કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના નવમા પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી

Saturday 02nd September 2023 03:46 EDT
 
 

લંડનઃ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત અને વિશ્વના પ્રથમ ઇકોફ્રેન્ડલી મંદિર તરીકે જાણીતા કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના નવમા વાર્ષિક પાટોત્સવની રંગેચંગે ઉજવણી થઇ હતી. આ મંદિરનું નિર્માણ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરાવ્યું હતું.
મહોત્સવ દરમ્યાન સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સહ વચનામૃત ગ્રંથની પારાયણ, સ્વામિનારાયણ ગાદી ગ્રંથ પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, કથાવાર્તા, રાસોત્સવ તથા ષોડશોપચારથી પૂજન-અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી, આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
આ પાવનકારી અવસરે જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, વિદેશની ધરા પર સ્વામિનારાયણબાપા, સ્વામીબાપાની સ્મૃતિ તાજી રહે તે માટે આપણા આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આપણને આ મંદિર મહેલ આપ્યો છે. આ મંદિરના નિર્માણમાં પાયાથી માંડીને છેક શીખર સુધી એવું ડિઝાઇનિંગ કરાયું છે કે જેમાં પર્યાવરણ, સ્વછતા અને હરિયાળીના શ્રી સ્વામિનારાયણ ભગવાનના મૂળભૂત સિદ્ધાંતોને સમાવી લેવાયા છે. મંદિર એટલે આત્યંતિક મોક્ષનું દ્વાર, જયાં માણસ પોતાના મનુષ્યજીવનનું કર્તવ્ય સમજીને ભકિતના માર્ગે ચાલે છે. ભગવાન ભજવા માટે મંદિરોના નિર્માણ કર્યા છે. ભગવાન ભજવા એ સારી પ્રવૃત્તિ છે તથા મોક્ષમાર્ગ આપનારી છે. વડીલોએ સંતાનોને પણ મંદિરમાં લાવવા જોઇએ જેથી સંતાનોમાં પણ સદ્ભાવ, ભાતૃભાવ તથા સારાં સંસ્કારનું સિંચન થઈ શકે. નાનપણથી બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું હશે તો સમાજ અને સંસ્કૃતિ બંને જળવાશે.’ આ અવસરે કિંગ્સબરી વિસ્તારના નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દિવ્ય અવસરનો લ્હાવો અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ભારત વગેરેના દેશ વિદેશના હરિભક્તોએ ભકિતભાવપૂર્વક લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter