કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરના દશાબ્દિ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી

Saturday 31st August 2024 06:03 EDT
 
 

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દિ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી દ્વારા નિર્માણ કરાયેલું અને વિશ્વનું સૌપ્રથમ ઈકો ફ્રેન્ડલી મંદિર હોવાનું બહુમાન ધરાવતા કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરના દશાબ્દિ મહોત્સવ પ્રસંગે સેન્ટ લ્યુકસ હોસપીસ-લંડનને રૂ. 80 લાખનું દાન પેટ્રન લોર્ડ ડોલર પોપટ અને ટ્રસ્ટી નીલ રાડીયાને સેવાકાર્યો માટે અપાયું હતું. આ પ્રસંગે દુનિયાભરના દેશોમાં યુદ્ધવિરામ થાય, વસુધૈવ કુટુંબકમની સનાતન ભાવનાનો આદર થાય તેવા શાંતિ સંદેશની મંગલ કામના સાથે પ્રાર્થના કરીને કબૂતર ઉડાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે લંડનના માર્ગો ઉપર વિશ્વશાંતિ નગરયાત્રા યોજાઈ હતી, જેમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ લંડન તથા બોલ્ટને વિશ્વ શાંતિની ધૂન રેલાવી હતી.
કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિર દશાબ્દિ મહોત્સવ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં કેન્સરના દર્દીઓ માટે જરૂરી સ્ટેમ સેલનું રેજિસ્ટ્રેશન કરાયું હતું તેમજ 4 કરોડ શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું લેખન કાર્ય થયું હતું. આ પ્રસંગે પાંચ ખંડોના હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન કેર સ્ટાર્મર, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટી અશોકભાઈ પટેલ, લલિતભાઈ દબાસીયા, ડો. મહેશભાઈ વરસાણી સહિતના અગ્રણીઓ ઉપરાંત અનેક કાર્યકરો અને હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter