કિંગ્સબરીઃ ગત સપ્તાહે નિસ કાર્નિવલમાં અગ્રણી પરફોર્મર્સમાં કિંગ્સબરીના શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપનો પણ સમાવેશ થયો હતો. 2023નું વર્ષ કાર્નિવલ ઓફ નિસની 150મી વર્ષગાઠનું વર્ષ છે ત્યારે આપણા સ્થાનિક પ્રતિષ્ઠિત પાઈપ બેન્ડને ફ્રાન્સના નિસ ખાતે ભવ્ય પરંપરાઓ અને ઉજવણીમાં ઉપસ્થિત રહી પરફોર્મ કરવા આમંત્રણ અપાયું હતું. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ દ્વારા દિવંગત હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ગોલ્ડન અને ડાયમન્ડ જ્યુબિલિઝ તેમજ ગત વર્ષે ક્વીનના પ્લેટિનમ જ્યુબિલી પ્રસંગે બિગ જ્યુબિલી લંચ સહિત વિવિધ હાઈ પ્રોફાઈલ ઈવેન્ટ્સમાં પરફોર્મન્સ અપાયું છે.
પાઈપ બેન્ડના નવા 10 સભ્યો સહિત 26 સભ્યોને કાર્નિવલ પરેડ ઓફ લાઈટ્સ અને ફ્લાવર પરેડમાં પરફોર્મ કરવાની તક સાંપડી હતી. પાઈપ બેન્ડે યુરોપ, નોર્થ અને સાઉથ અમેરિકા તેમજ એશિયા સહિત કુલ 62 સંગીતવૃંદના અન્ય કળાકારોની સાથે રહીને પરફોર્મ કર્યું હતું. આ વર્ષનું થીમ સંસ્કૃતિઓના વૈવિધ્યની કદર કરતું ‘કિંગ ઓફ ધ વર્લ્ડ્સ ટ્રેઝર્સ’ હતું જે પાઈપ બેન્ડ દ્વારા વગાડાયેલી પરંપરાગત સ્કોટિશ અને ભારતીય ધૂનોને સુસંગત હતું.
પાઈપ બેન્ડના 17 વર્ષીય સભ્ય વસંત સવાણીએ જણાવ્યું હતું કે,‘કાર્નિવલ પરેડ ઓફ લાઈટ્સમાં સંકળાયેલા રહેવા સાથે અમને ભવ્ય ફ્લોટ્સને નિહાળવાનો વિશેષ લાભ પ્રાપ્ત થયો હતો. વાતાવરણ પ્રેરણાદાયી હતું જેનાથી અમે બધા જ હાજર લોકોને સારી રીતે સંગીત માણવા મળે અને શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીનું પ્રતિનિધિત્વ કરવાની તક સાંપડવાથી વધુ ઉત્તેજના અનુભવી રહ્યા હતા.’
દર વર્ષે ફેબ્રુઆરીમાં યોજાતા કાર્નિવલમાં આશરે 200,000 દર્શકો અતિ ભવ્ય ફ્લોટ્સ, પ્રતિભાશાળી પરફોર્મર્સ અને ફ્રેન્ચ રિવિયેરા દ્વારા એકતાના પ્રદર્શની ઝાંખી મેળવવા ઉત્સુકતાથી હાજરી આપે છે. ખરેખર આ માણવાલાયક સુંદર અનુભવમાં ઘણા લોકો સહભાગી બન્યા હતા.