કુમકુમ મંદિર દ્વારા શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રથમ માસિક તિથિએ દિવ્ય ભાવાંજલિ કાર્યક્રમ

Wednesday 19th January 2022 05:49 EST
 
 

૧૭ જાન્યુઆરીએ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા તેની પ્રથમ માસિક તિથિ નિમિત્તે “દિવ્ય ભાવાંજલિ” નો કાર્યક્રમ શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીની નિશ્રામાં યોજાયો હતો. આ પ્રસંગે ધ્યાન, ભજન, કિર્તન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વચનામૃત ગ્રંથનું પઠન કરવામાં આવ્યું હતું. સંતોએ સદગુરુ સ્વામીના ગુણોનું વર્ણન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન વિશે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. દેશ - વિદેશના અનેક ભક્તોએ તેનો લાભ લીધો હતો.
સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથમાં વર્ણવેલા સંતોના સર્વગુણો પોતાના જીવનમાં કેળવ્યા હતા.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને શબ્દાંજલિ આપતાં કહ્યું હતું કે પ.પૂ.સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સેવા, ભક્તિ અને સમર્પણની મૂર્તિ સમા હતા.
બી.એ.પી.એસના પૂ.મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની વાણી તેવું જ વર્તન હતું. તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાને કહેલ વાણી અને વર્તન એક કરી બતાવ્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે તેઓ ગુજરાતના નાના નાના ગામડાઓથી માંડીને વિદેશમાં પણ સદાચારના બીજ રોપવા માટે સૌ પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ઈ.સ.૧૯૪૮ માં આફ્રિકા પધાર્યા હતા.અને ત્યારબાદ તો તેઓએ યુ.કે, યુ.એસ.એ. કેનેડા, દુબઈ વગેરે સ્થળોએ તેમણે વિચરણ કર્યું છે અને અનેક મંદિરો પણ સ્થાપ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter