કુમકુમ મંદિરના સંતોનું ધર્મ પ્રચારાર્થે પહેલી વખત મોરોક્કો વિચરણ

Tuesday 13th August 2024 06:50 EDT
 
 

મોરોક્કો દેશમાં કુમકુમ મંદિરના સંતો સૌ પ્રથમ પ્રચાર અર્થે પધાર્યા હતા. સંતોના આગમનથી ખુશખુશાલ સ્થાનિક હરિભક્તોએ ભગવાન અને સંતોને ઘોડાગાડીમાં બેસાડી વાજતેગાતજે સ્વાગત કર્યું હતું. કુમકુમ મંદિરના સંતોનો સત્સંગ પ્રચાર અર્થે આ પાંચમા દેશનો પ્રવાસ હતો.
સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર અમદાવાદના સંતો હાલ લંડન અને યુરોપના પ્રવાસે છે. ત્યાંથી તેઓ સૌપ્રથમ વખત મોરોક્કો દેશમાં સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા હતા અને ગુજરાતી સમુદાયના પરિવારોને ત્યાં સત્સંગ સભા યોજી હતી.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે, આ મોરોક્કો દેશમાં 9૯ ટકા પ્રજા મુસ્લિમ ધર્મ પાળે છે, પરંતુ લોકોમાં અન્ય ધર્મ પ્રત્યે પણ પ્રશંસનીય આદર-સન્માન જોવા મળે છે. અહીંના ગુજરાતી ભાઈઓએ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને કુમકુમ મંદિરના સંતોના સ્વાગત માટે ઘોડાગાડી કરીને સમગ્ર શહેરમાં સૌના દર્શન અર્થે આયોજન કર્યું હતું. નગરભ્રમણ દરમિયાન સ્થાનિક પ્રજાજનોમાં પણ ઉમળકો જોવા મળતો હતો. લોકો મોટા અવાજે નમસ્કાર... જય શ્રી સ્વામિનારાયણ.... વેલકમ ઇંડિયા જેવા સુત્રો સંતોનું સન્માન અને સત્કાર જોવા મળતા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌપ્રથમ વખત ઈ.સ. 1948માં શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રી
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પરદેશમાં પધરામણી કરી હતી. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દેશ-વિદેશમાં પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કુમકુમ મંદિરના સંતો અમેરિકા, યુરોપ, કેનેડા, દુબઈમાં અનેક વખત વિચરણ કરી ચૂક્યા છે.
કુમકુમ મંદિરના સંતોનું મોરોક્કો દેશમાં આ પહેલું વિચરણ હતું. આ દરમિયાન અનેક સ્થળે પધરામણી અને સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે આવોને આવો સાથસહકાર મળતો રહ્યો તો ભવિષ્યમાં કુમકુમ મંદિરના સંતો ફરી આ દેશમાં ધર્મ પ્રચારાર્થે આવશે અને સહુ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરી શકે અને હિન્દુ ધર્મનો
પ્રચાર અને પ્રસાર થાય તે માટે કાયમી સ્થાન પણ ઊભું કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter