અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના 44મા અંતર્ધાનોત્સવ દિનની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાતોની 11 પારાયણ કરીને કીર્તનભક્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મણિનગરમાં સ્વામિનારાયણ મહામંત્રના નાદ સાથે પ્રભાત ફેરી પણ યોજવામાં આવી હતી. આ પ્રસંગે સત્સંગ સભામાં શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીે શ્રી મુક્તજીવન સ્વામીબાપાના જીવનકવન ઉપર પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયનો તથા હિન્દુ ધર્મનો પ્રચાર ને પ્રસાર કરવા માટે વિદેશ પ્રવાસ પણ કર્યા હતા. આફ્રિકા, યુરોપ ને અમેરિકાની ધરતી ઉપર સૌપ્રથમ તેઓ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સાથે લઈને વિચરણ માટે પધાર્યા હતા. તેમના ધર્મકાર્યોના કારણે આજે વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો સ્થપાયા છે અને અનેક સત્સંગીઓ બન્યા છે. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ જીવનમાં સુખી થવા માટે ભગવાન રાખે તેમ રહેવું અને દેખાડે તે જોવું તેમજ ભગવાન મુખ્ય અને વ્યવહાર ગૌણ કરવો એ બે સૂત્રો આપ્યા હતા. આ બે સૂત્રો આપણે આપણા જીવનમાં જેટલા ઉતારીશું તેટલા વધુ સુખી થઈશું. જીવનમાં સુખી થવા માટે આપણે ભગવાનને પ્રાધાન્ય આપવું જોઈએ.