અમદાવાદઃ હીરાપુર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ‘આનંદધામ’ ખાતે મહા સુદ પૂનમની ઉજવણી પ્રસંગે અબજીબાપાશ્રીની વાતોની 11 પારાયણો ઉપરાંત ધ્યાન - ભજન - કીર્તન યોજાયા હતા. આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આંખોમાં શરમ અને જીભને નરમ રાખશો તો સુખી થશો. સંસારમાં રહીને પણ સ્વર્ગ જેવું સુખ પામવું હોય તો મગજને ‘ઠંડું’ રાખો, ખિસ્સાને ‘ગરમ’ રાખો, આંખોમાં ‘શરમ’ રાખો, જીભને ‘નરમ’ રાખો અને હૃદયમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને રાખશો તો હંમેશા સુખી થશો.
પ્રેમવત્સલદાસજીએ કહ્યું હતું કે જીવનમાં સુખી થવું હોય તો હંમેશા આપણે નમ્ર વાણી બોલવી જોઈએ. આપણી જીભ જીવન શણગારી પણ શકે છે અને સળગાવી પણ શકે છે! શું કરવું છે, તે આપણા હાથની વાત છે. તેથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં કહે છે કે, કોઈનું હૃદય દુઃખાય તેવી વાણી ના બોલવી જોઈએ. શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તીશું તો સુખી થઈશું.