મહાવીર ફાઉન્ડેશન યુ.કે.ના કેન્ટન દેરાસરનો ૧૧મો પ્રતિષ્ઠા મહોત્સવ તા.૯,૧૦ અને ૧૧ જૂન ૨૦૨૩(શુક્ર-શનિ-રવિ)ના રોજ રંગેચંગે ઉજવાયો. ૯ જુન શુક્રવારના સવારે દેરાસરમાં ૧૮ અભિષેક અને સાંજે કિંગ્સબરીની જ્યુઇસ સ્કુલના હોલમાં સ્વામી વાત્સલ્ય બાદ ભક્તિ સંગીતની રમઝટ ભારતથી પધારેલ હર્ષિતભાઇ અને મોક્ષિતભાઇની જોડીએ જમાવી હતી.
મહાવીર ફાઉન્ડેશનના યુવા પ્રમુખ શ્રી નીરજભાઇ સૂતરિયા અને કમિટી તેમજ મહાવીર ફાઉન્ડેશનના સ્થાપના કાળથી માંડી આજપર્યંત અણમોલ સેવા આપી રહેલ ડો.વિનોદભાઇ કપાસી, ચંદ્રકાન્તભાઇ શાહ, સુધાબહેન કપાસી, રાધાબહેન વોરા આદીના પીઠબળ તેમજ મુકેશભાઇ કપાસી, સુનિલભાઇ ગાંધી સહિત અન્ય કમિટી સભ્યો અને વોલંટીયર્સ ભાઇ-બહેનોના સહકારથી સોનામાં સુગંધ ભળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે એના પ્રમુખશ્રી સહિત સમગ્ર કમિટીએ
રાત’દિ જોયા વિના ઉઠાવેલ પરિશ્રમ અને કૌશલ્યનો કરિશ્મા આ કાર્યક્રમની ઉચ્ચ ગુણવત્તામાં જોવા મળ્યો હતો.
શનિવાર, ૧૦ જૂનની સવારે કેન્ટન દેરાસરથી વાજતે-ગાજતે વરઘોડો નીકળી કિંગ્સબરીની જ્યુઇસ સ્કૂલે પહોંચ્યો હતો.
વરઘોડાના વિસર્જન બાદ મા ભગવતી પદ્માવતીનું પૂજન પવિત્ર
મંત્રોચ્ચાર, વિધિ-વિધાન સહ ખૂબ જ ભક્તિસભર વાતાવરણમાં થયું. ૧૫૦૦થી વધુ ધર્મપ્રેમીઓએ ભક્તિભાવમાં લીન બન્યાં. જેનો મુખ્ય યજમાન તરીકેનો લાભ શ્રી દિનેશભાઇ અને શ્રીમતી જ્યોત્સનાબહેન શાહે (કિંગ્સબરીના ઘર દેરાસરવાળા)લીધો હતો. એમની અનુમોદના.
આ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના તંત્રીશ્રી સી.બી.પટેલ, ગૃપ એડીટર મહેશભાઇ તથા કન્સલ્ટીંગ એડીટર પણ પૂજન-ભક્તિ ભાવમાં ડૂબેલ ધર્મપ્રેમી ભાઇ-બહેનોની ભક્તિની સરાહનાથી પ્રભાવિત થયાં. ત્યારબાદ સ્વામી વાત્સલ્યનો સ્વાદ માણી બીજા દોરના કાર્યક્રમ માટે સૌ આતુર બન્યાં.
બપોરના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાના ૨ વર્ષના ભૂલકાંઓથી માંડી ૭૭ વર્ષ સુધીના ભાઇ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રમુખશ્રી નીરજભાઇની એ જ ખૂબી છે કે સૌને કાર્યક્રમમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરે અને સૌના સાથથી કાર્યક્રમને દીપાવે! મોટી સંખ્યામા પાઠશાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઇ બેન્ડના સૂરો વહાવી સૌના મન મોહી લીધાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંકિતભાઇ અને હિરલબહેન દંપતિએ એમની આગવી અદાથી કરી દર્શકોની લોકચાહના મેળવવામાં સફળ રહ્યાં. એક-એકથી ચઢિયાતી આઇટમોને તાળીઓના ગડગડાટથી પ્રેક્ષકોએ વધાવી લીધી.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર ભૂલકાંઓ, ભાઇ-બહેનોનમાં રહેલ કલાતત્વ અને ઉત્સાહ સૌને જકડી રાખવામાં કામયાબ નીવડ્યાં હતાં. આ કાર્યક્રમમાં ત્રણ-ત્રણ પેઢીના સભ્યોએ ભાગ લઇ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર ચાંદ લગાવ્યા.
આ પ્રસંગે વન જૈન, નવનાત વણિક એસિસિએશન, જૈન નેટવર્ક, જૈન વિશ્વ ભારતી, અનુપમ મિશન વગેરે સંસ્થાઓના અગ્રણીઓ, હેરો-બ્રેન્ટના સ્થાનિક કાઉન્સિલરો, હેરોના મેયરશ્રી કાઉન્સિલર શ્રી રામજીભાઇ ચૌહાણ વગેરેનું શાલ ઓઢાડી, હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. મેયરશ્રીએ યુવા પ્રમુખ શ્રી નિરંજન સુતરિયા અને કમિટીને ધન્યવાદ આપતાં પ્રેરણાદાયી વક્તવ્ય રજુ કર્યુ હતું.
કાર્યક્રમ દરમિયાન જ્યોત્સનાબહેન ડી.આર.શાહના પુસ્તકો “જીવન એક, સૂર અનેક’’અને ‘તમારી વિના” ના લેખન તેમજ પ્રકાશન માટે શાલ ઓઢાડી, હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં થયેલ પુસ્તકના વેચાણની તમામ રકમ સંસ્થાની ચેરિટીમાં સાદર કરવામાં આવી હતી.
સાંજના સ્વામી વાત્સલ્ય બાદ રાતના ભાવનામાં પુન: હર્ષિલભાઇ અને મોક્ષિતભાઇએ ભક્તિનો રંગ જમાવ્યો હતો.
દિવસભરના ભરચક કાર્યક્રમનો હરખ હૈયે લઇ સૌ વીખરાયાં. રવિવારની સવારે દેરાસરમાં ધજા બદલીના કાર્યક્રમમાં ય મોટી સંખ્યામાં ભાઇ-બહેનો હાજર રહ્યાં અને સ્વામી વાત્સલ્ય માણી ૧૧મા પ્રતિષ્ઠા મહોત્સવની યાદોં સમેટી સૌએ વિદાય લીધી.
આ મહોત્સવ ‘ટાઉન ઓફ ધ ટોક’ બની ગયો. જય જીનેન્દ્ર.