લંડનઃ રજિસ્ટર્ડ ચેરિટી કેમ્બ્રિજ હિન્દુ એસોસિયેશન (CHA)નો મહામૂલો પ્રોજેક્ટ ‘ધ ગેટવે ફ્રોમ ઈન્ડિયા’ પરિપૂર્ણતાના આરે છે અને તેનું ભવ્ય ઉદ્ઘાટન 1 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10.30 કલાકે કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારંભમાં મેયર્સ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પથ્થર પરની બારીક કોતરણી સાથેની કમાન સાથેના પ્રોજેક્ટ પાછળ મિલ રોડ ટ્રેડર્સ એસોસિયેશનના એમ્બેસેડર અને મૂળ ઈટાલિયન પીએરો ડી‘ એન્જેલિકોની મહેનત અને દીર્ઘદૃષ્ટિ કામે લાગ્યા છે.
અગાઉ ઈન્ડિયન કોમ્યુનિટી એન્ડ કલ્ચરલ એસોસિયેશન (કેમ્બ્રિજ) (ICCA) નામે ઓળખાવાતી સંસ્થા CHAનું સત્તાવાર રજિસ્ટ્રેશન 1999માં કરાયું હતું પરંતુ, 1970ના દાયકાથી તે અસ્તિત્વમાં હતી. કેમ્બ્રિજના મિલ રોડ પર 2010માં હિન્દુ મંદિરની સ્થાપના કરાઈ હતી અને મંદિર ધરાવતી ઈમારતને ભારત ભવન નામ અપાયું હતું. આ મંદિર કેમ્બ્રિજમાં વસતા 5000થી વધુ હિન્દુઓ માટે આસ્થા અને પૂજા-પ્રાર્થનાનું કેન્દ્ર હતું. કેમ્બ્રિજ સિટી કાઉન્સિલ (CCC) દ્વારા આ ઈમારતને જાળવણી સાથે જરૂર પડ્યે સમારકામ કરાવાશે તેવી શરત સાથે 1999માં હિન્દુ કોમ્યુનિટીને 25 વર્ષની લીઝ પર અપાઈ હતી. જોકે, હજારો પાઉન્ડ ખર્ચવા છતાં ગ્રેડ 2 લિસ્ટેડ ઈમારત વધુ સમારકામને લાયક રહી ન હતી અને સિટી કાઉન્સિલે 2019માં બિલ્ડિંગનો કબજો સ્વહસ્તક લઈ લીધો હતો. મંદિરને બચાવવા કેમ્પેઈન સહિત તમામ પ્રયાસો કરાયા છતાં, કોર્ટસે હિન્દુ કોમ્યુનિટીને તમામ ચીજવસ્તુઓ લઈ ઈમારત ખાલી કરવા આદેશ આપ્યો હતો. દેવમૂર્તિઓ સહિત તમામ આઈટમ્સ બચાવી લેવાઈ હતી પરંતુ, બારીક કોતરણીઓ સાથેના પથ્થરો ખસેડી શકાયા ન હતા.
સિટી કાઉન્સિલ દ્વારા બારીક કોતરણીઓ સાથેના પથ્થરો નકામા ગણાવી કાઢી નખાવાના હતા ત્યારે મિલ રોડ ટ્રેડર્સ એસોસિયેશન વતી પીએરો ડી‘ એન્જેલિકોએ તેને એક પાઉન્ડમાં ખરીદી લીધા હતા. આજે આ બારીક નકશીકામ સાથેની કમાનનું અંદાજિત મૂલ્ય 1 મિલિયન પાઉન્ડ થવા જાય છે. મિલ રોડ પર હિન્દુ મંદિરના ઈતિહાસ અને પથ્થરની કોતરણીની કળાને સાચવવાના ‘ધ ગેટવે ફ્રોમ ઈન્ડિયા’ પ્રોજેક્ટને આગળ વધારવા પીએરોએ વિશ્વના 20 દેશ સહિત સંખ્યાબંધ લોકો અને સંસ્થાઓ પાસેથી દાન અને ભંડોળ એકત્ર કર્યું હતું.