લંડનઃ કોરોના વાઈરસ સામેની લડાઈમાં સતર્ક રહેવાના અનુરોધ સાથે તાજેતરમાં અમલી બનાવાયેલા નવા નિયમો અને ગાઈડલાઈન્સનું પાલન કરીને સલામત રહેવાનો અનુરોધ કરવામાં ફેઈથ લીડર્સ સાથે હેલ્થના વડાઓ જોડાયા હતા.
હાલ સમગ્ર ઈંગ્લેન્ડમાં છથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ અમલમાં છે. પરંતુ, વેસ્ટ મીડલેન્ડ્સના કેટલાંક ભાગોમાં કોવિડ-૧૯ના કેસોમાં ઝડપથી વધારો થતાં બર્મિંગહામ, સેન્ડવેલ અને સોલીહલમાં વધારાના નિયંત્રણો લાગુ કરી દેવાયા હતા. તેમાં જુદા જુદા પરિવારોને તેમના ઘરોમાં કે ગાર્ડનમાં ભેગાં થવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી.
મહામારીની શરૂઆતથી ફેઈથ બ્રિફીંગનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિયમિતપણે યોજાતો હતો. તાજેતરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બર્મિંગહામના પબ્લિક હેલ્થ ડિરેક્ટર ડો. જસ્ટિન વાર્ની સાથે ધાર્મિક વડા પણ જોડાયા હતા. તેમણે કોમ્યુનિટીઝને નવા નિયમોથી વાકેફ થવા અને ઘરે સલામત રહેવા વિશેની તાજેતરની ગાઈડલાઈન્સનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
કોવેન્ટ્રી અને વોર્કશાયર SACREના કો-ચેર મનજીત કૌર, ગુરુદ્વારા ગુરુ નાનક પ્રકાશ, કોવેન્ટ્રીના અજિતપાલ લોટે અને લવ બ્લેક કન્ટ્રીના ડેબ ચેમ્બરલીન સાથે જોડાયેલા ડો. વાર્નીએ જણાવ્યું હતું કે આપણે વ્યક્તિગત રીતે નિર્ણયો લઈએ તેના મારફતે જ કોરોનના વાઈરસને ફેલાતો અટકાવી શકાય. તેનો અર્થ એ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અને હાથ વારંવાર ધોવા. આ વાઈરસને કાબૂમાં લેવામાં મદદરૂપ થવા માટે આપણે દરેક વ્યક્તિ શું કરી શકીએ તેની જવાબદારી લેવી જોઈએ અને સૌએ પગલાં લેવા જોઈએ.
વેસ્ટ મીડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે ઉમેર્યું કે છેલ્લાં થોડાં મહિનામાં ફેઈથ બ્રીફિંગ્સે લોકલ કોમ્યુનિટીઝને મહત્ત્વની સલાહ આપવામાં મંચ પૂરો પાડ્યો હતો. અગ્રણી વોલન્ટિયર સર્વિસીસના સારા કાર્યોને વેસ્ટ મીડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટી (WMCA)નું સમર્થન છે. મનજીત કૌરે ઉમેર્યું હતું કે કોવિડ મહામારી દરમિયાન સલાહ પૂરી પાડવામાં અને સંસાધનો આપવામાં ફેઈથ કોમ્યુનિટીઝની કામગીરી શ્રેષ્ઠ રહી છે. ઓનલાઈન ફેઈથ બ્રીફિંગ્સ તમામ ધર્મની અથવા ધર્મમાં ન માનતી કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકશે અને https://register.gotowebinar.com/register/1870413724226255632 દ્વારા જોડાઈ શકશે.