અબુધાબી મંદિર માનવતા માટે આશા - સંવાદિતાનો મહાન સંદેશઃ બ્રહ્મવિહારીદાસ સ્વામી

‘એ મિલેનિયલ મોમેન્ટ’ પુસ્તકે ઘણી કલ્પિત કથાનું ખંડન કર્યું છેઃ સીબી

- મહેશ લિલોરિયા Wednesday 03rd April 2024 08:44 EDT
 
 

લંડનઃ અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના વડા અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના ઈન્ટરનેશનલ કો-ઓર્ડિનેટર બ્રહ્મવિહારીદાસ લંડનની ટુંકી મુલાકાતે આવ્યા હતા. તેમના વ્યસ્ત સમયપત્રકમાં પણ પહેલી એપ્રિલના રોજ તેઓ ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલને મળ્યા હતા અને કોમ્યુનિટીની નિઃસ્વાર્થ સેવા બદલ સીબી પ્રત્યે વિશેષ આભારની લાગણી વ્યક્ત કરી હતી. નિસ્ડન ટેમ્પલ અને યુકેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના કોઠારી સ્વામી યોગવિવેકદાસ સ્વામી અને પરમતત્વ સ્વામીની સાથે પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ સી.બી. પટેલની કોલમ ‘જીવંત પંથ’ની પ્રશંસા કરી હતી જેમાં સી.બી.એ અબુધાબી મંદિર, તેના વિઝન, લોકો અને પ્રયાસો વિશે લખેલું છે.
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર-નિસ્ડન ખાતે બ્રહ્મવિહારીદાસ સ્વામીએ સી.બી. પટેલ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ‘એ મિલેનિયલ મોમેન્ટ’ પુસ્તકના લેખન પાછળની કથા જણાવી હતી અને કહ્યું હતું કે, ‘જાણીતા એડિટર અને વગશાળી કોલમલેખક બિક્રમ વહોરાએ મને તેઓ આ મંદિર વિશે લખી શકે કે કેમ તેની પૃચ્છા કરી હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીએ અમને હંમેશાં સત્યની સાથે રહેવા અને સત્યને બહાર લાવતા શીખવ્યું છે આથી, મેં બિક્રમને બહારની વ્યક્તિ તરીકે બધી બાબતોનું નીરિક્ષણ કરવા અને તે પછી કોઈ પણ રીતે પ્રભાવિત થયા વિના લખવાનું સૂચન કર્યું હતું. મેં તેમને કહ્યું તમે જાતે જ જાણો અને જાતે જ લખો. તેમણે પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે વિવેચનાત્મક લેખક અને વિચારક હોવાથી ધાર્મિક સંસ્થા આટલી નિખાલસ, ખુલ્લા દિલની હોઈ શકે તે બાબતે તેમને આશ્ચર્ય થયું હતું.’
‘બીજી તરફ, પેંગ્વિન દ્વારા કરાયેલી કામગીરીનો પણ તે રેકોર્ડ છે. પેંગ્વિન બુકની સમીક્ષા કરવામાં લગભગ 6 મહિના લે છે, આ પછી તેઓ બજારની સંભાવનાઓને ચકાસે છે અને તેના પછી પ્રોજેક્ટની શરૂઆત કરે છે. પરંતુ, પેંગ્વિને માત્ર ત્રણ સપ્તાહમાં આ પુસ્તકનો પ્રોજેક્ટ પૂર્ણ કરી દીધો. આ પુસ્તક ધૂમ મચાવી રહ્યું છે. તેની પ્રથમ આવૃત્તિ વેચાઈ ગઈ છે અને બીજી આવૃત્તિ પ્રગટ થવામાં છે. આ પુસ્તક અદ્ભૂત છે અને તે આધ્યાત્મિકતા સંબંધિત છે.’
પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ કહ્યું કે ‘અન્ય સારી વાત એ રહી છે કે એસ. જયશંકરે પુસ્તકનું આમુખ-ફોરવર્ડ લખ્યું છે. તેઓ ઈરાનથી હવાઈમાર્ગે આવી રહ્યા હતા અને બે-એક કલાક માટે દુબઈમાં રોકાણ હતું અને ત્યાંથી કમ્પાલા જવાના હતા. મેં તેમને આમુખ લખી આપવા વિનંતી કરી. તેઓ કમ્પાલા પહોંચે તે પહેલા તેમણે વિમાનમાં જ પ્રસ્તાવના લખી અને આ રીતે અમને પ્રસ્તાવના મળી હતી.’
બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ઉમેર્યું હતું કે, ‘અબુ ધાબી મંદિર માનવતા માટે આશા અને સંવાદિતાનો મહાન સંદેશ છે. જ્યારે વિશ્વમાં ધ્રુવીકરણ થઈ રહ્યું છે ત્યારે આ પ્રેમ અને સંવાદિતાનું મંદિર છે. આ જ આધ્યાત્મિક સ્થળની ભૂમિકા છે.’
સી.બી. પટેલે કહ્યું હતું કે તેમને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો યાદ આવે છે કે સફળતા માટે શ્રી, સરસ્વતી અને શક્તિ આવશ્યક છે. તેમણે કહ્યું હતું કે દરેક સત્સંગીએ આ પુસ્તક વાંચવું જોઈએ. દરરોજ થોડો સમય ફાળવો અને આ પુસ્તકનું જ્ઞાન બધા સાથે વહેંચો.
તેમણે એક પળ યાદ કરી જણાવ્યું હતું કે તેઓ અબુધાબી મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન પ્રસંગે સામેલ થવાના હતા પરંતુ, ભારત મુલાકાત દરમિયાન તેમના ખરાબ સ્વાસ્થ્યના કારણે જઈ શક્યા નહિ.
તેમણે કહ્યું હતું કે, ‘હું લંડન પરત આવ્યો ત્યારે મારા મનમાં ઘણો વિષાદ હતો કે ઈતિહાસના નિર્માણ - મિડલ ઈસ્ટમાં પ્રથમ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનની ભવ્યતાને અનુભવવા હું ત્યાં જઈ શક્યો નહિ. હું મહાશિવરાત્રિના દિવસે અહીં નિસ્ડન મંદિરમાં આવ્યો હતો અને પૂજ્ય યોગવિવેકદાસ સ્વામીને અબુધાબીમાં મારી ગેરહાજરીથી હું ઘણો વ્યથિત રહેતો હોવાની વાત કરી હતી. યોગવિવેકદાસ સ્વામીએ મને ‘એ મિલેનિયલ મોમેન્ટ’ પુસ્તક આપ્યું હતું. હું બિક્રમ વહોરાને જાણું છું. અગાઉ, મને તેમના વિશે થોડોઘણો સંદેહ હતો પણ આ પુસ્તક પછી મને તેમના પ્રત્યે વિશેષ આદર અને સન્માન પ્રગટ્યાં છે.’
‘પહેલા જ દિવસે મેં 32 પાના વાંચ્યા. હું માનું છું કે આ પુસ્તકે ઘણી કલ્પિત કથાઓનું ખંડન કર્યું છે. આ પુસ્તક જણાવે છે કે 60 ટકા સત્સંગી તો સ્ત્રીઓ છે. બિક્રમે BAPS વિશે ઘણી સારી રીતે સમજાવ્યું છે. આ પુસ્તક એટલું આકર્ષક અને જ્ઞાનવર્ધક છે કે મેં તેને બે વખત વાંચ્યું છે.
આ પુસ્તક સત્સંગનું સત્વ શું છે અને BAPSનું સત્વ શું છે તેના વિશે જણાવે છે. હું એટલો પ્રભાવિત થયો હતો કે મેં આ જ્ઞાન અન્ય લોકો સુધી પહોંચાડવા નિર્ણય કરી લીધો. મેં ચાર પાનાનો વિશેષ લેખ – ‘રણનાં કણ કણમાં બ્રહ્મનાદ’ લખ્યો.
સી.બી.એ જણાવ્યું હતું કે, ‘દરેક વ્યક્તિ પુસ્તક વાંચી શકતી નથી ત્યારે તેનો સંદેશ ફેલાવવાની જવાબદારી આપણી છે. BAPSના ઉપદેશો દર્શાવે છે કે માણસ કેવી રીતે માનવી બની શકે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ઉપદેશો તમને વધુ સારા માનવી કેવી રીતે બનાય તેનું માર્ગદર્શન આપશે.’
બ્રહ્મવિહારીદાસ સ્વામીના અગ્ર પ્રયાસોની પ્રશંસા કરતા સી.બી.એ કહ્યું હતું કે, ‘આ લેખમાં મેં તમારો, તમારા પિતા, યોગવિવેકદાસ સ્વામી, નીતિન પલાણ, પરેશ રુઘાણી વિશે ઉલ્લેખ કર્યા છે અને ભૂતકાળના તમામ પ્રયાસોને વર્તમાન સાથે સાંકળી લીધા છે. તમે હંમેશાં પરિવર્તનોને પારખી લેવામાં તથા પડકારોને તકમાં રૂપાંતરિત કરી લેવામાં સજાગ અને સક્ષમ રહ્યા છો. એ તમે જ છો જેમણે પ્રમુખ સ્વામી મહારાજને મિડલ ઈસ્ટમાં મંદિર હોય તેવું સૂચન કર્યું હતું. આ તકોને પારખવાની અને તદ્નુસાર કાર્ય કરવાની નેતાની નિશાની છે.
આ બેઠકમાં BAPSના ટ્રસ્ટીઓ જિતુભાઈ પટેલ, વિનુભાઈ ભટ્ટેસા અને જિજ્ઞેશ પટેલ પણ સામેલ થયા હતા.
બ્રહ્મવિહારીદાસ સ્વામી ગુરુવારે ‘સોનેરી સંગત’માં જોડાશે
આ મુલાકાત દરમિયાન સી.બી.એ કહ્યું હતું કે, ‘અમે દર ગુરુવારે બપોરે 3 વાગ્યે વિશેષ ઝૂમ ઈવેન્ટ ‘સોનેરી સંગત’નું આયોજન કરીએ છીએ. આ ગુરુવાર (4 એપ્રિલ)ની મીટિંગમાં મિડલ ઈસ્ટમાં સૌપ્રથમ અબુધાબી હિન્દુ મંદિરનો વિષય કેન્દ્રમાં હશે. હું તમને આ ઝૂમ ઈવેન્ટમાં જોડાવા ને ઓડિયન્સને વિવિધ હકીકતો અને જ્ઞાનમાં સહભાગી બનાવવા સાથે તેમને પ્રેરણા આપવા વિનંતી કરું છું.’ બ્રહ્મવિહારીદાસ સ્વામીએ તરત જ કહ્યું હતું કે તેમને આ ઈવેન્ટમાં જોડાવામાં આનંદ થશે.
BAPSમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના ઈન-ચાર્જ બ્રહ્મવિહારીદાસ સ્વામી મોટિવેશનલ સ્પીકર છે અને માનવતાવાદી ઉદ્દેશોના હિમાયતી છે. તેમનો ઉછેર યુકેમાં થયો છે અને તેઓ 1981માં સાધુ બન્યા હતા. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ સમગ્ર વિશ્વમાં વિવિધ BAPS મંદિરોની રચના અને ડિઝાઈનમાં પાયારૂપ ભૂમિકા ભજવી છે તેમજ અબુધાબી મંદિર નિર્માણ પાછળ તેઓ ગતિશીલ પરિબળ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter