તાજેતરમાં યુકે અને યુરોપમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ હરિભક્તો તથા મુલાકાતીઓ (ખાસ કરીને વૃદ્ધો અને સંવેદનશીલ વ્યક્તિઓ)ના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે આયોજીત તમામ સભાઓ તથા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ગ્રુપ અને સ્કૂલ વિઝિટ પણ રદ કરી દેવાઈ છે.
ઉપરાંત, સમગ્ર યુકેમાં આવેલા BAPS મંદિરો તથા કેન્દ્રો ખાતે અગાઉથી નક્કી કરાયેલી સત્સંગ-સભાઓ પણ હવે પછીની સૂચના નહીં મળે ત્યાં સુધી રદ કરવામાં આવી છે.
જોકે, યુકે અને યુરોપના BAPS મંદિરો ખાતે દર્શન, આરતી અને અભિષેક (અનિવાર્ય હોય ત્યાં) રાબેતા મુજબ રહેશે. જોકે સંસ્થા દ્વારા દરેકને વિનંતી કરાઈ છે કે શક્ય તો તે પણ ટાળવું.
લંડન મંદિર ખાતેના દરરોજના દર્શન સંસ્થાની વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે પૂ. મહંતસ્વામી મહારાજની એપ્રિલ, ૨૦૨૦માં આયોજીત યુકે મુલાકાત પણ હાલ મુલત્વી રાખવામાં આવી છે.
કાર્યક્રમો રદ કરવાની કે મોકૂફ રાખવાની પરિસ્થિત ફક્ત યુકે અને યુરોપના BAPS મંદિરો માટે છે. બાકીના સ્થળોએ સંસ્થાના મંદિરોમાં દર્શન-આરતી તથા કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ છે.