લંડનઃ સમગ્ર યુકેની ફેઈથ કોમ્યુનિટીઓ ‘બિગ હેલ્પ આઉટ’ના સમર્થનમાં એકસંપ બની સોમવાર 8 મેએ કોરોનેશન બેન્ક હોલીડેના દિવસે વોલન્ટીઅરીંગ ઈવેન્ટ્સનું આયોજન કરી રહેલ છે. ક્રિશ્ચિયન, મુસ્લિમ,જ્યુઈશ, હિન્દુ, શીખ, બૌદ્ધ, બહાઈ, જૈન, ઝોરોસ્ટ્રીઅન સહિત ફેઈથ કોમ્યુનિટીઓના અગ્રણીઓએ તાજપોશી વીકએન્ડના સમર્થનમાં ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર પણ કર્યા છે તેમજ પોતાની કોમ્યુનિટીઓને. ‘બિગ હેલ્પ આઉટ’માં ભાગ લેવા હાકલ કરી છે.
ગત સપ્તાહે ફેઈથ કોમ્યુનિટીઓના અગ્રણીઓએ સેન્ટ્રલ લંડનમાં આવેલી ઘરવિહોણાઓ માટેની ‘ધ પેસેજ’ ચેરિટીની મુલાકાત લીધા પછી આ ખુલ્લો પત્ર લખાયો હતો. આ મુલાકાતમાં કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બી, ચીફ રેબી એફ્રેઈમ મિરવીસ અને અન્યોએ દાનમાં આવેલા વસ્ત્રોની ગોઠવણી અને ચેરિટીના ક્લાયન્ટ્સને અન્ન પીરસવાની સ્વૈચ્છિક સેવા આપી હતી. ‘બિગ હેલ્પ આઉટ’ આગામી કોરોનેશન વીકએન્ડના સત્તાવાર પ્રોજેક્ટ્સમાં એક છે તેમજ સ્વૈચ્છિક સેવા-વોલન્ટીઅરીંગને પ્રોત્સાહિત કરવા, આગળ વધારવા અને પ્રદર્શિત કરવાના હેતુસરનો ઈનિશિયેટિવ છે. કોરોના મહામારીના ગાળામાં વોલન્ટીઅરીંગ કામગીરી જોવા મળી હતી તેના પર આગળ વધીને આ પહેલ તમામ લોકોને તક ઓળખવા અને સરળતાથી તેમાં સામેલ થવાની નવી પેઢીના વોલન્ટીઅર્સને પ્રેરણા આપશે. ‘બિગ હેલ્પ આઉટ’ના સમર્થનમાં ખુલ્લા પત્રમાં કિંગની આજીવન જાહેર સેવાને આદરાંજલિ અપાઈ છે. સખાવતી નેતા અને એન્ટ્રેપ્રીન્યોર તરીકે કિંગની ભૂમિકાની પ્રશંસામાં જણાવાયું છે કે તેમણે વોલન્ટીઅરીંગ અને ઈન્ટર-ફેઈથ સંવાદિતાની હિમાયત કરી છે.
ધાર્મિક સંસ્થાઓ કે સંગઠનો ‘બિગ હેલ્પ આઉટ’માં ગણનાપાત્ર ભૂમિકા ભજવશે. આયોજિત ઈવેન્ટ્સમાં • આર્ચબિશપ ઓફ વેલ્સની આગેવાની હેઠળ બીચીઝની સફાઈ • ડોન્ટ મેસ વિથ બ્રેડફોર્ડ અને બ્રેડફોર્ડ સિટી કાઉન્સિલના સહયોગમાં બ્રેડફોર્ડ કેથેડ્રલ દ્વારા કચરાનો નિકાલ • લંડનમાં સેન્ટ માર્ક્સ કોપ્ટિક ઓર્થોડોક્સ ચર્ચ દ્વારા સ્થાનિક કોમ્યુનિટીના બાળકો માટે કોરોનેશન સ્ટ્રીટ પાર્ટીમાં નિઃશુલ્ક ભોજન, પીણાં, ગેઈમ્સ અને પ્રવૃત્તિઓ • વોટર્લુમાં ઓએસિસ હબની આગેવાનીમાં નિઃશુલ્ક લંચ, ક્રાફ્ટ્સ, ગેઈમ્સ, પરફોર્મન્સ, સર્કસની કુશળતા સાથે પારિવારિક મેળાવડો • BAPS ચેરિટીઓના સ્વયંસેવકો દ્વારા કોમ્યુનિટી માટે ફ્રી હેલ્થ સ્ક્રીનિંગ તપાસ • બાર્નેટમાં હિન્દુ સ્વયંસેવક સંઘ વોલન્ટીઅર્સ દ્વારા સાફસફાઈ • શીખ ચેરિટી ફીડ માય સિટી માન્ચેસ્ટરની આગેવાનીમાં જરૂરિયાતમંદો માટે રસોઈ બનાવી વિતરણ • NishkamSWAT દ્વારા લંડનમાં ઘરવિહોણી કોમ્યુનિટી અને જરૂરિયાતમંદો માટે 300થી વધુ ગરમ ભોજન, ચા અને કોફી તેમજ અન્ય સામગ્રીનું વિતરણ • સેન્ટ્રલ ગુરુદ્વારા લંડન દ્વારા લંડનમાં ઘરવિહાણા લોકોને સેંકડો ગરમ ભોજનના પેકેજિંગનું વિતરણ સહિત વિવિધ સંસ્થાઓની સેવાનો સમાવેશ થાય છે.
બિગ હેલ્પ આઉટનું આયોજન કરનારા ટુગેધર કોએલિશનના સહસ્થાપક બ્રેન્ડન કોક્સે જણાવ્યું હતું કે યુકેમાં લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરી રહેલા ધાર્મિક નેતાઓ અને સંસ્થાઓનો સપોર્ટ બિગ હેલ્પ આઉટ માટે ભારે સમર્થનને પ્રદર્શિત કરે છે.