લંડનઃ સેવા ડે, સ્વીન્ડન દ્વારા ઘણાં વર્ષોથી આ વિસ્તારમાં સેવા પ્રોજેક્ટ્સ અને નિયમિત પ્રવૃત્તિઓ ચાલે છે. કોરોના મહામારીના કપરા સમયમાં પણ સંસ્થાના ૨૦૦થી વધુ વોલન્ટિયર્સની ટીમે સાઉથ વેસ્ટ ઈંગ્લેન્ડ અને વેલ્સ ઝોનમાં આઈસોલેશનમાં રહેલા વડીલો, પરિવારોને જરૂરી ગ્રોસરી શોપિંગ અને ફાર્મસી તેમજ કોવિડ માટે કામગીરી કરતાં લોકોને ગરમ ભોજન પૂરું પાડીને મદદરૂપ થયા હતા.
સ્વીન્ડનમાં કોવિડ લોકડાઉનની શરૂઆતથી જ ફૂડ બેંકની માગમાં ત્રણ ગણો વધારો થયો હતો. કોઈપણ મોટી ગ્રાન્ટ અથવા આર્થિક સહાય વગર ત્યાંની લોકલ ફૂડ બેંકે સેવા ડે પાસેથી અગાઉ કરતાં વધારે ફૂડની માગ કરી હતી. તેથી સંસ્થાએ લોકલ ફૂડ બેંક ‘સ્વીન્ડન ફૂડ કલેક્ટિવ’ને મદદરૂપ થવા સેવા પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો. સેવા ડેનો ઉદ્દેશ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ ભોજન અને ફળો ફૂડ બેંકને પહોંચાડવાનો હતો. સંસ્થાએ ૩૦ જુલાઈએ સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક ફૂડ આઈટમ્સની ૩૮ ટ્રે સાથે ૫૮૫ કિ.ગ્રાનો પ્રથમ જથ્થો પહોંચાડ્યો હતો.
સ્વીન્ડન ફૂડ કલેક્ટિવના ચેરમેન સ્મિથે આ જથ્થો સ્વીકાર્યો હતો અને સેવા ડેની સ્વીન્ડન ટીમ દ્વારા મળેલા ફૂડના મોટા જથ્થા બદલ તેમનો આભાર માન્યો હતો, કારણ કે ફૂડબેંક પાસેનો જથ્થો માગ કરતાં ખૂબ ઓછો હતો.