કોવિડ - ૧૯ની વેક્સિન લઈને #ImmunityfortheCommunity મેળવવા સાઉથ એશિયન કોમ્યુનિટીને પ્રોત્સાહિત કરવા માટે એક વીડિયોમાં ગાયક અને ગીતલેખક નવીન કુંદ્રા, પ્રોડ્યુસર, પ્રેઝન્ટર અને પર્ફોર્મર પાર્લે પટેલ અને બીબીસી બ્રોડકાસ્ટર નાદિયા અલી આગળ આવ્યા છે. ૨૩ એપ્રિલને શુક્રવારે રિલીઝ થયેલા વીડિયોમાં GP કાર્ટર સિંઘ MBE, અશાંતિ ઓમકાર FRSA, લાયકા રેડિયો અને દિલસેના સીઈઓ રાજ બદ્ધાન, ચેનલ S પ્રેઝન્ટર કુહીનૂર કબીર અને ડો. હિના અન્વરે પણ ભાગ લીધો છે.
તેમનો સંદેશો ઈંગ્લિશ, ગુજરાતી, પંજાબી, બંગાળી, તમિળ, હિંદી, સ્યાલ્હેતી અને ઉર્દૂ એમ આઠ ભાષામાં અપાયો છે.
આ વીકે રિલીઝ થયેલા આંકડામાં જણાયું હતું કે ઈંગ્લેન્ડમાં વંશીય લઘુમતીઓમાં વેક્સિન લેવાનું પ્રમાણ ત્રણ ગણું થયું હતું. ૭ ફેબ્રુઆરીથી ૭ એપ્રિલ વચ્ચે તેમાં ૨૩૫ ટકાનો વધારો નોંધાયો હતો, જે તમામ જાતિની રાષ્ટ્રીય સરેરાશ ૧૫૪ ટકા કરતાં વધુ છે.
ઈંગ્લેન્ડમાં બાંગ્લાદેશી સમુદાયોમાં વેક્સિન લેનારની સંખ્યા ૨૯,૩૮૨ થી વધીને ૧૫૨,૪૦૮ જ્યારે પાકિસ્તાની સમુદાયોમાં આ સંખ્યા ૮૮,૯૫૬ થી વધીને ૩૬૭,૭૮૦ થઈ છે.
મનોરંજન અને મેડિસીન જગતના અગ્રણીઓએ દરેકે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આ વીડિયો શેર કર્યો છે.
નવીન કુંદ્રાએ જણાવ્યું કે કોરોના વાઈરસથી લોકોને રક્ષણ આપવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ વેક્સિન છે અને તે હજારો લોકોની જીંદગી બચાવવામાં મદદરૂપ થશે. આ મહામારીમાં માત્ર આ એક જ ઉપાય છે અને મને જ્યારે બોલાવવામાં આવશે ત્યારે હું મારી કોવિડ -૧૯ની વેક્સિન લઈશ.
નાદિયા અલીએ જણાવ્યું કે મને આશા છે કે ખરેખર તેનાથી લોકોને પ્રેરણા મળશે અને તેઓ તેમનું કોવિડ – ૧૯ વેક્સિનેશન કરાવવા જશે.
પાર્લે પટેલે જણાવ્યું કે આ એક ખૂબ મોટું અને તેટલું જ મહત્વનું અભિયાન છે.
અશાંતિ ઓમકારે જણાવ્યું કે તેમના પેરન્ટ્સે તેમનું વેક્સિનેશન કરાવી લીધું છે. તેનાથી આપણને વાસ્તવિકપણે મનની શાંતિ થાય છે. આ વેક્સિન લેવાનું આપણા માટે મહત્ત્વનું છે અને તે લઈને જીવનમાં આગળ વધવું જોઈએ.
યુકેમાં ૩૩ મિલિયન લોકોથી વધુએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે અને ૧૧ મિલિયનથી વધુ લોકોએ તેમનો કોવિડ - ૧૯ વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે ત્યારે #immunityforthecommunity રિલીઝ થઈ છે.
વેકસિનમાં વિશ્વાસ આવે તેને પ્રોત્સાહિત કરવા અને ખોટી માહિતીને દૂર કરવા માટે પબ્લિક ફિગર અને હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા સાઉથ એશિયન કોમ્યુનિટીમાં આ શ્રેણીબદ્ધ પહેલ પૈકીની આ તાજેતરની એક પહેલ છે.
હાલ ૪૫ અને તેથી વધુ વયના દરેક તથા જેને કોવિડ – ૧૯ થવાનું વધુ જોખમ છે તેઓ તથા હેલ્થ અને કેર વર્કર્સ અને કેરર્સ કોવિડ – ૧૯ વેક્સિન લઈ શકે છે.
GP અથવા NHS દ્વારા જેમને વેક્સિન લેવા જણાવાયું છે તેઓ www.nhs.uk/covid-vaccination માં નેશનલ બુકિંગ સર્વિસ પર લોગીંગ કરીને તેમના વેક્સિનેશનની વ્યવસ્થા કરી શકે છે. ઓનલાઈન બુકિંગ ન કરાવી શકનાર વ્યક્તિ અઠવાડિયાના તમામ ૭ દિવસ સવારે ૭થી રાત્રે ૧૧ સુધી 119 પર ફ્રીમાં કોલ કરી શકે છે.
NHS નંબર વિના અને વ્યક્તિનું ઈમિગ્રેશન સ્ટેટસ ગમે તે હોય – તે ચેક કરવામાં આવશે નહીં - તેઓ કોવિડ -૧૯ વેક્સિનેશન બુક કરાવી શકશે.
કોવિડ -૧૯ વેક્સિન વિશે વધુ માહિતી માટે www.nhs.uk/covid-vaccination