માનવતા, મૈત્રી અને પ્રેમનો સંદેશો ફેલાવતા ૨૦૧૭ના વર્ષની વિદાયના ક્રિસમસપર્વ નિમિત્તે કેટલાય નાના -મોટા કાર્યક્રમો યોજાયા હશે અને માનવતા મહેંકી ઉઠી હશે.
આ શ્રેણીમાં મૂકી શકાય એવા દેવીબેન મહેશભાઇ પારેખ પણ દીપથી દીપ જલે જેવું પ્રશંસનીય કાર્ય કરી રહ્યાં છે. દેવીબેનનું ઘર નાનું પણ મન મોટું છે. તેઓ પોતાના નિવાસ સ્થાને અવારનવાર વિવિધ ચેરીટી માટે લંચનું આયોજન કરી પોતાની પસંદગીની ચેરિટીમાં મિત્રોના સહયોગથી અનુદાન નોંધાવી એક ઉમદા ઉદાહરણ પૂરૂં પાડતા આવ્યાં છે. ૮ડિસેમ્બરે આવું જ એક લંચનું આયોજન એમના એજવેર ખાતે આવેલ નિવાસ સ્થાને કર્યું હતું. જેમાં ૨૫-૨૬ મહિલાઓ હાજર રહી હતી. આ પ્રસંગે 'વંદેમાતરમ્ ગૃપ'ના શ્રીમતી ભારતીબેન શેઠીયાના સુમધુર સ્વર અને હારમોનિયમ વાદન સાથે હરિશભાઇ વ્યાસે તબલા સંગત કરી એ લંચને સંગીતના સુરોથી સજાવી દીધું હતું.
આ લંચમાં સવિશેષ TRS સૂતરવાલા પરિવારની ત્રણ પુત્રવધૂઓ આસ્માબેન, શકીનાબેન, રશિદાબેન, સાઉથ લંડનથી યુ.કે.વીમેન્સના જ્યોત્સનાબેન પટેલ, નાટ્ય કલાકાર ઉષાબેન પટેલ, ટી.વી.કલાકાર યાસ્મીન કુરેશી, કવિયત્રી ભારતી પંકજ વોરા, સુમિબેન અજમેરા, જયાબેન માલદે આદી અનેક અગ્રગણ્ય મહિલાઓએ ઉપસ્થિત રહી ચેરિટી લંચને ચાર ચાંદ લગાવ્યા હતા.
એકત્ર થયેલ રકમમાંથી માત્ર ૫૦ પાઉન્ડનો મ્યુઝીકનો ખર્ચ બાદ કરતા ૪૭૫ પાઉન્ડ અત્રેની ડીમેન્શીયા ચેરિટીમાં અને એટલી જ રકમ ઇન્ડીયાની લાલ બત્તી ચેરિટીમાં સાદર કરી છે. ટીપે ટીપે સરોવર ભરાય જેમ આવા સત્કાર્ય માટે યોજાનારા કાર્યક્રમો અન્યો માટે પ્રેરક બની રહે છે.