સાઉથ ઇસ્ટ જૈન એસોસીએશન દ્વારા તા. ૮-૪-૨૦૧૮ના રોજ ક્રોલી સનાતન મંદિર ખાતે પ્રભુ શ્રી મહાવીર સ્વામીનો જન્મ ઉત્સવ અનેરા આનંદથી બહોળા જનસમુદાયની ઉપસ્થિતિમાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો.
આ પ્રસંગે લેસ્ટર, પોટર્સબાર, ક્રોયડન, હેઇઝ, કોલીન્ડેલ, કેન્ટન સહિત વિવિધ શહેરોમાંથી લગભગ ૮૫૦ સંઘ સમુદાયના શ્રાવકો પધાર્યા હતા અને ઉત્સાહપૂર્વક પ્રભુ શ્રી મહાવીરનો જન્મ ઓચ્છવ ઉજવાયો હતો. સતી શિરોમણિનું પ્રાસંગિક પ્રવચન યાદગાર બની રહ્યું. સ્નાત્ર પૂજા, પંચ કલ્યાણક પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ સન્માનીય અતિથિઓની પાવન ઉપસ્થિતિમાં યોજાયા હતા. બહુમાન સમારંભ બાદ પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઇ બખાઇએ સૌનું સ્વાગત કર્યું હતું જ્યારે સેક્રેટેરી શ્રીમતી ભાવનાબહેને આભાર વિધિ વ્યક્ત કરી હતી. ભક્તિ રસ, ધર્મસભા અને સ્તવનથી વાતાવરણ પવિત્ર બની રહ્યું હતું.