લંડનઃ ધ નેહરુ સેન્ટર અને ભારતીય હાઈ કમિશન દ્વારા મહાત્મા ગાંધીના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે બીજી ઓક્ટોબરે ‘મહાત્મા ગાધી એન્ડ ધ યુકે’ની વર્ચ્યુઅલ ઉજવણીનું ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વક્તાઓમાં યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી કુમાર, ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ લોર્ડ મેઘનાદ દેસાઈ, બેરોન ઓફ મેફેર લોર્ડ રેમી રેન્જર CBE, પ્રસિદ્ધ ગાંધીવાદી વિદ્વાન પ્રોફેસર સતીષ કુમાર, ધ ઈન્ડિયા લીગના ચેરમેન શ્રી સી.બી. પટેલ અને ધ નેહરુ સેન્ટરના ડાયરેક્ટર શ્રી અમીષ ત્રિપાઠીનો સમાવેશ થયો હતો. લેખિકા અને મોટિવેશનલ સ્પીકર શ્રીમતી રાગેશ્વવરી લૂમ્બા સ્વરુપે ઈવેન્ટનું સંચાલન કર્યું હતું.
વર્ચ્યુઅલ ઉજવણીને ખુલ્લી મૂકતાં હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી કુમારે કહ્યું હતું કે ગાંધીજી માનવજાતે નિહાળેલી સૌથી હિંસક સદીમાં જીવ્યા હતા. ગાંધીજીના ઉદાહરણે માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મન્ડેલા, દલાઈ લામા અને આંગ સાન સુ ક્યી જેવી ક્ષમતાના રાજપુરુષો અને નેતાઓને પ્રેરણા આપી હતી. શ્રીમતી કુમારે એમ પણ કહ્યું કે,‘તેમનું પુસ્તક હિંદ સ્વરાજ કાયમી વિકાસ વિશેનું ઘોષણાપત્ર બની ગયું હતું. તે સમયે આપણને તેમનું ભવિષ્યકથન વિષાદપૂર્ણ લાગતી હતી કારણકે તેમના કહેવા મુજબ શહેરી ઔદ્યોગિકીકરણમાં તેના જ વિનાશના બીજ સમાયેલા હતા. આજે આપણે સમજી શકીએ છીએ કે તેમના દરેક શબ્દમાં સત્યનો રણકાર હતો. તેમનો સરળ સિદ્ધાંત,‘આપણે જોઈ શકવાના ન હોઈએ તે વિશ્વ માટે જ આપણે કાળજી લેવી જોઈએ’, આજે પણ આપણને પ્રેરણા પૂરી પાડે છે.
કાર્યક્રમને આગળ ધપાવતા લોર્ડ રેમી રેન્જર CBEએ જણાવ્યું હતું કે,‘મહાત્મા ગાંધીની દીર્ઘદૃષ્ટિ અને પ્રતિબદ્ધતા વિના આપણા ૧.૩ બિલિયન લોકોનું ભાવિ શું હોત તે વિચારે જ મને કમકમાટી આવી જાય છે. તેઓ માનતા કે જો લોકો હિંસક બની જાય તો તેમના ઉદ્દેશો પાર પડ્યા પછી પણ હિંસક જ બની રહેશે. મને ગર્વ રહેશે કે બ્રિટિશ પાર્લામેન્ટના પરિસરમાં જ મહાત્મા ગાંધીની પ્રતિમા માટે ૧૦૦,૦૦૦ પાઉન્ડનું મેં દાન કર્યું છે કારણકે તેમણે આ જ પાર્લામેન્ટમાં ભારત વિરુદ્ધ જે કરાતું હતું તેનો વિરોધ-અનાદર કર્યો અને વિજય હાંસલ કર્યો.’
ધ ઈન્ડિયા લીગના ચેરમેન શ્રી સી.બી.પટેલે સત્રને આગળ વધારતા જણાવ્યું હતું કે,‘ગાંધીજીએ હંમેશાં કોઈ પણ પરિસ્થિતિને પોતાની તરફેણમાં કરી લીધી હતી. આ મહામાનવ હવે રહ્યા નથી પરંતુ, તેમનો સંદેશ સર્વકાલીન, સાર્વત્રિક અને સર્વવ્યાપી છે. ગાંધીજી ૧૮૬૯માં જન્મ્યા ત્યારનું ભારત અથવા ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ ત્યારના ભારતથી વર્તમાન ભારત અલગ છે. ગાંધીજીએ વાચાહીન લોકોને અવાજ આપ્યો, માત્ર અશ્પૃશ્ય લોકો અથવા આદિવાસીઓને જ નહિ, ભારતની સ્ત્રીઓને પણ વાચા આપી. મને ખુશી છે કે વર્તમાન સરકાર પણ નારીશક્તિના વિકાસને મહત્ત્વ આપી રહી છે.
ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ લોર્ડ મેઘનાદ દેસાઈએ લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના સંદર્ભમાં જણાવ્યું હતું કે,‘ અંગ્રેજોમાં તેમણે શાકાહારીઓ સાથે મિત્રતા બાંધી તેનાથી તેમને આત્મવિશ્વાસ આવ્યો કે તેમનું શાકાહારીપણું સારી બાબત છે. તેઓ આંદોલન ચલાવતા અને જનમતને પોતાની તરફેણમાં કરવાનું શીખ્યા. તેઓ લંડનમાં હતા તે સમયે તેમણે પોતાના અંગ્રેજ મિત્રો મારફત ભગવદ ગીતાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમણે એક વખત કહ્યું હતું કે જો ભારતની સ્વતંત્રતાની લડત લડવા માટે તેમને જેલમાં બંધ કરી દેવાય તો તેમને હંમેશાં લંડનમાં રહેવાનું ગમશે. તેમની ૧૫૧મી જન્મજયંતીએ આપણે સહુ એનું સ્મરણ રાખીએ કે ગાંધીજી માટે લંડનનું વિશેષ મહત્ત્વ હતું.’
ધ નેહરુ સેન્ટરના ડાયરેક્ટર અને ખ્યાતનામ લેખક શ્રી અમીષ ત્રિપાઠીએ મહાત્મા ગાંધીના જન્મથી છેક ૧૯૪૮ સુધીની તસવીરોનો વર્ચ્યુઅલ પ્રવાસ દર્શકોને કરાવ્યો હતો. આ તસવીરો રોલી બૂક્સની શ્રી પ્રમોદ કપૂરના પુસ્તકમાંથી મેળવાઈ હતી. ત્રિપાઠીએ કહ્યું હતું કે,‘તેઓ (ગાંધીજી) માનવ ઈતિહાસમાં સૌથી વધુ વિશ્લેષણ કરાયેલી વ્યક્તિઓમાંના એક છે. આપણે તેમની પાસેથી શીખી શકીએ તેવું ઘણું બધું છે પરંતુ, આપણે તેમાંથી દરેક સાથે સંમત થઈ શકીએ એ જરુરી પણ નથી. મશીનરી વિશે તેમના વિચારોનું ઉદાહરણ લઈએઃ હું માનું છું કે તે સારું છે, તે ઉત્પાદકતાને વધારે છે. સામેની બાજુએ કોઈ બેઠેલું હોય તે ખરાબ જ હોય તે જરુરી નથી. આનો અર્થ એ નથી કે તમારે પગલૂછણિયું બની રહી હંમેશાં છુંદાતા રહેવું જોઈએ. આપણા દુશ્મનોમાં પણ કશુંક સારું હોય છે અને આપણા ખુદમાં પણ સુધારાને અવકાશ હોય છે.’
પ્રસિદ્ધ ગાંધીવાદી વિદ્વાન પ્રોફેસર સતીષ કુમારે કહ્યું હતું કે,‘મહાત્મા ગાંધી મારા હીરો હતા.’ તમામ લોકોના ઉત્થાન-સર્વોદયના તેમના મુખ્ય સંદેશાને વિસ્તારથી સમજાવતા પ્રોફેસરે કહ્યું હતું કે,‘મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જો આપણે વિશ્વમાં પરિવર્તન જોવા ઝંખતા હોઈએ તો આપણે જ એ પરિવર્તન બનવું પડશે. જે રીતે રેડિયેટર ગરમીનો પ્રસાર કરે છે તે રીતે આપણે અહિંસાનો પ્રસાર કરવો પડશે. તમારી જાત પ્રત્યે અહિંસક બનો, તમારી જાત પ્રત્યે જ દયાળુ બનો, તમને પોતાને માફ કરો અને ભૂતકાળના તમામ દિલગીરીઓ, અપરાધો અને ઘૃણા, રોષ અને ભયના બોજને ફેંકી દો.’