ગાંધીનગરઃ સુપ્રસિદ્ધ અક્ષરધામ સંકુલમાં દીપાવલી નિમિત્તે 10 હજાર દીવડાનો અલૌકિક ઉત્સવ ઉજવાશે અને તેની સાથે સાથે શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના થશે. 11 નવેમ્બરે આ માટે ખાસ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ભગવાન નીલકંઠવર્ણી શ્રી સ્વામિનારાયણની તપોમૂર્તિને ભાવાંજલિ થકી આવનારી અનેક પેઢીઓ તપ, જપ તથા સંયમની પ્રેરણા લઇ શકે તે માટે અક્ષરધામ સંકુલમાં પંચધાતુની આ મૂર્તિ સ્થપાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે નીલકંઠવર્ણી ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂપા છે. 11 નવેમ્બરે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે વૈદિક યજ્ઞવિધિ સાથે પંચધાતુની આ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે.
ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ બિરાજમાન રહ્યા હતા તેની સ્મૃતિમાં આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ રાખવામાં આવી છે. આ મૂર્તિ બિરાજમાન થશે ત્યાં મનને શાંતિ અને પવિત્ર પ્રેરણાઓથી ભરી દે તેવી સુંદર નીલકંઠવાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દીપાવલીના પર્વે દર્શનાર્થીઓ 8 નવેમ્બર સુધી રોજ સાંજે દીવડાઓ તેમજ ગ્લો ગાર્ડનથી આલોકિત અક્ષરધામ દર્શનનો લ્હાવો
માણી શકશે.