લંડનઃ નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ, વન જૈન -1 જૈનોલોજી, છ ગામ નાગરિક મંડળ (યુકે), હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, વિવેકાનંદ હ્યુમન સેન્ટર, ગ્લોબલ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, ગીતા ફાઉન્ડેશન અને આશ્રમ ડે સેન્ટર દ્વારા સંયુક્તપણે ગુજરાત રાજ્યના સ્થાપના દિનની વાર્ષિક ઉજવણી ટૂટિંગ બ્રોડવેમાં નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજના હોલમાં યોજાઈ હતી.
આ ઈવેન્ટમાં લોર્ડ અને લેડી ધોળકિયા, ઈન્ડિયા હાઉસમાં મિનિસ્ટર ઓફ કો-ઓર્ડિનેશન મિ. સંજય કુમાર, વોન્ડ્ઝવર્થના મેયર, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના તૃપ્તિબહેન પટેલ, કરમસદ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, બાલહામ મંદિરથી જયેશભાઈ અને દેવયાનીબહેન, હેરોના ડેપ્યુટી મેયર કાઉન્સિલર રામજી ચૌહાણ, કાઉન્સિલર અંજનાબહેન પટેલ, બાબુભાઈ એ. પટેલ, કપિલભાઈ દૂદકીઆ, પ્રવીણભાઈ પાણખણિયા તેમજ અન્ય મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓના વડા ઉપસ્થિત રહ્યાં હતાં. આમંત્રિત મહેમાનો દ્વારા દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. ટૂટિંગ બાલ સંસ્કાર ગ્રૂપના બાળકોએ પ્રાર્થના ગાઈ હતી અને આ બાળકોએ પાછળથી સાંસ્કૃતિક નૃત્ય પણ રજૂ કર્યું હતું. કેયા પટેલે ગણેશ વંદના ગાઈ હતી.
નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવીણભાઈ અમીને આ વિશેષ દિને સહુનું સ્વાગત કર્યું હતું અને જળ પુરવઠા, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બંદરોનાં વિકાસમાં ગુજરાતની પ્રગતિ વિશે વાત કરી હતી.
મંચ પર ભગવાન ગણેશની પ્રતિમા તરફ નિહાળતા લોર્ડ નવનીત ધોળકિયાએ તેમણે હાઉસ ઓફ લોર્ડ્સમાં ભગવાન ગણેશની પ્રાર્થના સાથે કાર્યનો આરંભ કર્યો હતો તેની યાદ વાગોળી હતી. તેમણે ગુજરાતે તેની સ્થાપના પછી સાધેલી પ્રગતિની પ્રશંસા કરવા સાથે મહાત્મા ગાંધી અને જેમની સ્મૃતિમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં સ્થાપિત કરાઈ છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન ગુજરાતીઓને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતની પ્રગતિ સર્વત્ર દેખાય છે અને તેમણે ઈલેક્ટ્રિસિટી, ટ્રાન્સપોર્ટ સહિતના ઉદાહરણ આપ્યા હતા. લોર્ડ ધોળકિયાએ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર ગુજરાતીઝના સંદર્ભમાં તેની જરૂરિયાત સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને યોગ્ય મસલતો કરાઈ ન હોવાનું પણ જણાવ્યું હતું.
વોન્ડ્ઝવર્થના મેયરે ગુજરાત દિનની ઉજવણી માટે ઉપસ્થિત તમામને અભિનંદન પાઠવવા સાથે ગુજરાતીઓ લંડન બરો ઓફ વોન્ડ્ઝવર્થના સારા નાગરિકો હોવાનું જણાવ્યું હતું. સંજય કુમારે ગુજરાત દિન ઉજવણી હિસ્સો બનવામાં આનંદ વ્યક્ત કર્યો હતો અને ગુજરાત રાજ્યની પ્રગતિની સરાહના કરી હતી. સંજય કુમારે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો.
તૃપ્તિબહેન પટેલે આ ઉજવણીમાં ભાગ લઈ શકવાં બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે હિન્દુ ફોરમ ઓફ બ્રિટનની કામગીરી વિશે જણાવ્યું હતું અને લોકોને એકસંપ થઈ કામ કરવાને પ્રોત્સાહન આપ્યું હતું. હિતેશભાઈએ રાષ્ટ્રીય ગીતોની રજૂઆત કરી હતી. તમામ લોકો રાગિણીબહેનની આગેવાની હેઠળ ગરબામાં ઉત્સાહભેર સામેલ થયા હતા અને સ્વાદિષ્ટ શાકાહારી ભોજન લીધા પછી કાર્યક્રમ સમાપ્ત થયો હતો. એક્ઝિક્યુટિવ સમિતિના સભ્યો અને વોલન્ટીઅર્સની કામગીરીને સહુએ વધાવી લીધી હતી.