નેશનલ કાઉંસિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ - યુકે (NCGO) દ્વારા ગુજરાત સમાચારના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંગત એડવાઇઝ સેન્ટરમાં સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યો હતો. સેવા યજ્ઞ-જ્ઞાન યજ્ઞના માધ્યમથી જનજાગૃતિનો અલખ જગાવવા બદલ NCGOના પદાધિકારીઓએ ગુજરાત સમાચાર અને એશિયન સમાચારના પ્રકાશક અને એડિટર ઇન ચીફ સી.બી. પટેલનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે લોર્ડ ડોલર પોપટ, હાઈ કમિશન ઓફ ઇંડિયાના ફર્સ્ટ સેક્રેટરી રોહિતભાઇ વઢવાણા, સમાજસેવી-ઉદ્યોગરત્ન વજુભાઈ પાણખાણીયા, સમાજસેવી પ્રભાકાંતભાઈ પટેલ, NCGOના પ્રમુખ વિમલજી ઓડેદરા, એડવાઇઝરી કાઉંસિલ અને સંગત એડવાઇઝ સેન્ટરના સીઈઓ કાંતિભાઈ નાગડા, ઉપપ્રમુખ જીતુભાઇ પટેલ, ખજાનચી દીપકભાઈ પટેલ, જનરલ સેક્રેટરી સંજય ઓડેદરા સહિત NCGOના પદાધિકારીઓ ખાસ હાજર હતા.
NCGOના પ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યું કે, ગુજરાત સમાચારના માધ્યમથી સમાજને મજબૂત બનાવવાનું કાર્ય સી.બી. પટેલે કર્યું છે. સી.બી. પટેલે ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ અને અશિયન સમુદાયને સંગઠિત કરવા હંમેશા વિચાર, દિશા, સમર્થન અને સહકાર આપ્યો છે. સમાજના અધિકારો માટે જે જુંબેશ ગુજરાત સમાચાર દ્વારા ઉપાડવામાં આવી છે એના લીધે આજે આ દેશમાં અમારું માન-સન્માન વધ્યું છે.
લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે, આ છાપાઓના માધ્યમથી સી.બી. પટેલે લોકહિતમાં અનેક ઝુંબેશો ઉપાડી છે અને સફળતા મેળવી છે. એ પછી બ્રિટિશ પાસપોર્ટના અધિકારની વાત હોય કે એર ઇંડિયાની લંડન-અમદાવાદ ફ્લાઇટ શરૂ કરવાની. ગુજરાત સમાચાર પેપર યુકેમાં નવા લોકો માટે માત્ર માર્ગદર્શિકા જ નથી, પરંતુ આપણી ઓળખ અને સંસ્કૃતિને જીવંત રાખવામાં મોટો ભાગ ભજવે છે. યુવાનોને દિશા આપવી એ સમાજને દિશાસૂચન સમાન છે. મને પણ ગુજરાત સમાચારે બહુ જ મદદ કરી છે. જ્યારે મેં રાજકરણમાં મારી કારકિર્દી શરૂ કરી ત્યારે અખબારના સહયોગથી જ મારો ઉત્સાહ વધ્યો અને હું આજે અહીંયા સુધી પહોંચી શક્યો.
હર મેજેસ્ટી મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીમાં આખા બ્રિટનની સાથે-સાથે મોટી સંખ્યામાં ગુજરાતી સંગઠનો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ વર્ષે જ યુગાન્ડાથી હકાલપટ્ટીને 50 વર્ષ થઈ રહ્યા છે. આપણો સમાજ જે રીતે પગભર થઈ ગયું એ એક ગૌરવગાથા સમાન છે. ઈસ્ટ આફ્રિકાથી આવેલા ઘણા લોકોએ રાજકરણમાં ટોચની ભુમિકામાં છે. હવે સમાજે પ્રગતિ કરી છે પણ હાલમાં ખાલીપણું એ બહુ જ મોટો પડકાર છે. આ બાબતમાં ગુજરાત સમાચાર અને અશિયન વોઇસ સમાજની મદદ કરે.
હાઈ કમિશન ઓફ ઇંડિયાના ફર્સ્ટ સેક્રેટરી રોહિતભાઇ વઢવાણાએ જણાવ્યું કે, મે 2019માં હું યુકે આવ્યો. સી.બી. પટેલ સાથે મુલાકાત થઈ. ત્યારથી જ હું બન્ને સમાચાર પત્રો માટે લખું છું. હવે જ્યારે હું કેન્યા જાઉં છું તો સી.બી.એ તરત જ કેન્યાનો વિશેષાંક મોકલાવી આપ્યો જે મારા માટે બહુ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. સમાચાર પત્રો માટે સૌથી અગત્યની વાત છે- સમયની સાથે ચાલવું. યુવા વાચકો અગત્યના છે. યુવાનોને વધારેમાં વધારે સમાજ અને સમાજના કાર્યક્રમોમાં જોડવાની જરૂર છે. સમાજને સાથે લાવવા બદલ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પણ હું ગુજરાત સમાચાર અને અશિયન વોઇસને અભિનંદન આપવા માંગુ છું. કોમ્યુનિટીના વિવિધ પ્રશ્નો, મુદ્દાઓને વાચા આપવાની અમારી જવાબદારી છે અને સમાજના જાગરુક પ્રહરી તરીકે આ છાપાઓની પણ છે. આવી સજાગ સંસ્થાઓ અમને બહુ જ મદદ કરે છે.
સી.બી. પટેલે જણાવ્યું કે કેટલાય ભાઈ-બહેનોએ વર્ષો સુધી મહેનત કરી છે. ગુજરાતી અખબાર ચલાવવા બહુ જ અઘરા હોય છે. 1972ની સાલ આ દેશ માટે બહુ જ ઐતિહાસિક છે. ગુજરાત સમાચાર પણ શરૂ થયું, એ જ વર્ષમાં ભારતીય વિદ્યા ભવનની પણ શરૂઆત થઈ. બ્રહ્મકુમારી સેન્ટર પણ શરૂ થયું. કાંતિભાઇ નાગડા અને મિત્રોએ સંગત સેન્ટરની શરૂઆત કરી. આ સુવર્ણ જયંતી માત્ર ગુજરાત સમાચારની નથી અને છાપાની સફળતા માત્ર વ્યક્તિની નથી. છેલ્લા 50 વર્ષમાં સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞમાં સેવા આપનાર અમારી ટીમના દરેક સભ્ય, દરેક વાચક, વિજ્ઞાપનદાતાઓ, તડકી-છાંયડીમાં સલાહ-સહકાર આપનાર અને સમાજના એક-એક સાથીની આ સફળતા છે.
આ વાત સાચી છે કે ગુજરાત સમાચારે પણ મુશ્કેલી જોઇ છે પણ વાચકો અને વિજ્ઞાપનદાતાઓએ ઘણી મદદ કરી છે. સદનસીબે સારી ટીમ મળી. આ સાથે જ અમે કર્મયોગ ફાઉંડેશનના માધ્યમથી સખવતો કરીને સમાજનું ઋણ ચુકવવનાનો પ્રયત્ન કર્યો છે.
ગુજરાત સમાચાર એ માત્ર સમાચાર પત્ર નથી, જીવનપત્ર છે. જે લોકો અર્ધગુજરાતી છે, એ લોકો માટે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ પ્રયાસ કરી રહ્યા છે. આ દેશમાં ગુજરાતીઓના નામ ગવાય છે. ગુજરાતી ભાષા એ આપણી ઓળખ છે. ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર કોકિલાબેન પટેલે જણાવ્યું કે, ગુજરાત સમાચારમાં મને 39 વર્ષ થયા. આ મારા માટે આ એક પાઠશાળા છે. એક ટાઇપ સેટરથી મેનેજિંગ એડિટર સુધીની સફર બતાવે છે કે જીવનમાં કશું જ અશક્ય નથી. આ છાપામાં મેં 32 કોલમ શરૂ કરી. સી.બી. પટેલના માર્ગદર્શન અને ઉત્સાહવર્ધન વગર આ શક્ય નહોતું. એક પરિવારની જેમ રહીને કામ કરવાની અને પ્રગતિ કરવાની આ તક બીજે ક્યાંય મળી શકે એમ નથી. અમે કષ્ટદાયક સંજોગોમાં કામ કરતા હતા, પણ કોઇ થાક નહિં, આનંદ સાથે કામ કર્યું.
ગુજરાત સમાચારના ગ્રુપ એડિટર મહેશ લિલોરિયાએ જણાવ્યું કે, ગુજરાત સમાચાર અને અશિયન વોઇસ માત્ર છાપા જ નથી, સમાજના ચોકીદાર છે, છડીદાર છે. આ છાપાઓ કમાણી કરવા માટે નહીં, પરંતુ સમાજનું ઋણ ચુકવવા માટે શરૂ કરેલું એક અભિયાન છે. ગુજરાત સમાચારના પહેલા અંકમાં જે લખ્યું હતું સી.બી. એનું શબ્દશ: પાલન કરે છે કે એ મારા માટે બિઝનેસ નથી. અમે અમારી રીતે સેવા કરવા માગીએ છીયે. ભાષાના સંવર્ધન અને જતન માટે જે અથાક પ્રયાસો ગુજરાત સમાચાર દ્વારા કરવામાં આવી રહ્યા છે એની બીજી કોઇ મિશાલ નથી.
અચલાબેન મિયાણીએ ગીતોની સુમધુર પ્રસ્તુતિથી સહુ કોઇના મન મોહી લીધા. વજુભાઇ પાણખાણીયાએ સી.બી. પટેલ માટે સુંદર ભજનની પ્રસ્તુતિ કરી. સંચાલન ગાર્ગીબેન પટેલ અને આભારદર્શન NCGO ઉપપ્રમુખ જિતુભાઇ પટેલે કર્યું. (તમામ તસ્વીર સૌજન્યઃ રાજ બકરાણિયા - PR MEDIA PIX)