મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટે, ગુજરાત હિન્દુ સોસાયટીના વૃદ્ધ લંચ ક્લબ દ્વારા કેન્દ્રમાં ૧૪૦ થી વધુ લોકો માટે એક વિશાળ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધ લંચ ક્લબના સભ્યો, સ્વયંસેવકો અને કેન્દ્રના શુભેચ્છકોનો સમાવેશ થતો હતો.
લેન્કેશાયરના ઉચ્ચ શેરિફ શ્રી. માર્ટિન આઈન્સકો અને નાયબ પોલીસ કમિશનર શ્રી એન્ડી પ્રેટ એમબીઈને અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બપોરના ભોજન સમારોહને દિપ પ્રગટાવીને અને મહેમાનોને પુષ્પહાર પહેરાવીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એ પછી ગુલાબ સિંઘ MBE DL દ્વારા રાણીના શાસન વિષે રજૂઆત કરવામાં આવી હતી. પ્રમુખ, ઈશ્વરભાઈએ ઉપસ્થિત સૌને આવકાર્યા હતા અને લંચ ક્લબની મહિલાઓની પ્રશંસા કરી હતી જેમણે ઉપસ્થિત સૌ માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું હતું. આ પ્રસંગે યુવાનો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. સૌએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો.
શનિવાર, ૪ જૂન ૨૦૨૨ના રોજ પ્રેસ્ટન સિટી મેળાનું આયોજન એવેનહામ પાર્કમાં કરવામાં આવ્યું હતું જેમાં ગુ.હિં. સોસાયટીએ વાર્ષિક મેળામાં ભાગ લીધો હતો જયાં લાઇવ મનોરંજન જોવા માટે હજારો લોકો એકઠા થયા હતા. સોસાયટીની મહિલાઓએ ઓડિયન્સ સમક્ષ રાસ ગરબા રજૂ કર્યા હતા. કોરોના પછી લાંબા સમય પછી લોકો રાણીની પ્લેટિનમ જ્યુબિલી પર એક દિવસનો આનંદ માણવા માટે ભેગા થયા હતા.
૫, જૂને લંચનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોસાયટીએ ૨૦૦ લોકોને મફત ભોજન આપ્યું હતું. તે જ દિવસે ગુ.હિં. સોસાયટીની મહિલાઓએ ફરીથી પ્રક્ષકો સમક્ષ રાસ ગરબા રજૂ કર્યા હતા. લેન્કેશાયરના ઉચ્ચ શેરિફે સમાજના સભ્યોની અને વિશાળ સમુદાય માટે કરેલા અદ્ભુત કાર્ય માટે પ્રશંસા કરી.