અમદાવાદઃ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સંસ્કૃત સ્પર્ધામાં ગુજરાતના ઋષિકુમારોએ ગૌરવસભર પ્રદર્શન કર્યું છે. ગુજરાતમાંથી SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના નવ ઋષિકુમારો સ્પર્ધામાં ભાગ લેવા હરિદ્વાર પતંજલિ યોગપીઠ ખાતે પહોંચ્યા હતા, જેમાંથી પાંચ ઋષિકુમારોએ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે. સ્પર્ધામાં ભારતના દરેક રાજ્યોમાં જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હોય એવા વિદ્યાર્થીઓ ભાગ લે છે, જે સંસ્કૃત ભાષા, શાસ્ત્રીય જ્ઞાન અને પરંપરાગત શિક્ષણનું પ્રદર્શન કરે છે. કુલ 25 રાજ્યોના 1000 જેટલા સ્પર્ધકો વચ્ચે ત્રણ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં ગુજરાતના સાત ઋષિકુમારોએ બે ગોલ્ડ મેડલ, બે સિલ્વર મેડલ તેમજ ત્રણ બ્રોન્જ મેડલ પ્રાપ્ત કરીને સંસ્કૃત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું હતું. આ સાતમાંથી પાંચ મેડલ SGVP સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પ્રાપ્ત કર્યા હતા. વિજેતા ઋષિકુમારમાં ભટ્ટ દિવ્યેશ (ગોલ્ડ મેડલ), જાની દેવાંગ (સિલ્વર), સાધુ બ્રહ્મવિહારીદાસજી (બ્રોન્ઝ), દવે જય (બ્રોન્ઝ) અને પંડ્યા શિવમ (બ્રોન્ઝ)નો સમાવેશ થાય છે.