સુરત: કોરોના સંકટના કારણે અપાયેલા લોકડાઉનમાં છૂટછાટ અપાયા પછી અનલોક-૧.૦ દરમિયાન ગુજરાતમાં ધાર્મિક સ્થળો ખોલવા માટે મંજૂરી અપાઈ છે. જોકે બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા લેવાયેલા નિર્ણયમાં રવિવારે ફેરફાર કરાયો હતો. કોઠારી સ્વામી ઉત્તમપ્રકાશદાસ મહારાજે આદેશ જારી કરી તમામ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરોમાં આ અંગેની જાણ પણ કરી હતી.
બીએપીએસ દ્વારા મંદિરો ૧૭મી જૂનથી ખોલવાનો નિર્ણય શનિવારે લેવાયો હતો. ત્યારબાદ રવિવારે મળેલી બેઠકમાં મહંત સ્વામી મહારાજનો આદેશ આવતા ફરી મંદિરો નહીં ખોલવાનો નિર્ણય જાહેર કરાયો છે. તેમણે આદેશમાં જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં નિષ્ણાતોનો અભિપ્રાય જોતાં મંદિરો ખોલવા હિતાવહ નથી. તેથી હાલ પૂરતાં બીએપીએસ સંસ્થાના તમામ સ્વામીનારાયણ મંદિરો, હરિમંદિરો અને સંસ્કારધામો દર્શન માટે ખૂલશે નહીં. હવે પછી મહંત સ્વામીના બીજા આદેશ બાદ મંદિરો ખોલવાનું જાહેર કરાશે.