ગોંડલ: વિક્રમ સંવત 2080ની વિદાય વેળાએ અક્ષર મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવાળી મહોત્સવની ધામધૂમથી ઊજવણી કરાઇ હતી. દિવાળીના પર્વને અનુરૂપ મંદિર પરિસરને શણગારાયું હતું. પ્રાતઃ કાળે સાત વાગ્યે સંગીતજ્ઞ સંતો દ્વારા ભક્તિ-સંગીત સાથે હરિભક્તોએ સ્વામીના પૂજા દર્શનનો લ્હાવો લીધો હતો.
સૌના જીવનમાંથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય અને જ્ઞાનરૂપી પ્રકાશ થાય, સંપ-સદભાવના સાથિયા પૂરાય તેમજ તપ-ત્યાગના તોરણ બંધાય તેવા આશીર્વાદ માંગતા પ.પૂ. મહંત સ્વામીએ કહ્યું કે, ‘મનુષ્ય દેહ મહાદુર્લભ છે. તે આપણને મળ્યો છે ત્યારે સાંસરિક ઈચ્છાઓથી પર થઈ ભગવાન પરાયણ જીવન બને તે મહત્ત્વનું છે.’ સાંજે સંતો પાસે વેપારીમિત્રો કંકુ અને ચોખાથી ચોપડાનું પૂજન કરાવીને યોગી સભામંડપમાં પ્રવેશ મેળવવા લાગ્યા હતા. બરાબર પાંચ વાગ્યે લક્ષ્મીપૂજન, ચોપડા પૂજનની વૈદિક મહાપૂજાવિધિનો શુભારંભ થયો. જેમાં ઠાકોરજીની ષોડષોપચાર પૂજનવિધિ વિવેકસાગર સ્વામી તથા વરિષ્ઠ સંતો દ્વારા કરાઇ હતી.
પ.પૂ. મહંત સ્વામી મહારાજે ઠાકોરજીનો પંચામૃત અભિષેક કરી આરતી ઉતાર્યા બાદ ઉપસ્થિત હજારો ભક્તોને આશીર્વાદ આપતા મહારાજે જણાવ્યું કે, આગામી વર્ષે સૌ હરિભક્તો તન, મન, ધનથી સુખી થાય તેમજ સૌના વેપાર, ધંધા સારા ચાલે. જીવનમાં સત્સંગ અને સેવા પ્રધાન થાય. અક્ષર મંદિરના પરિસરમાં આતશબાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હજારો હરિભક્તોએ આતશબાજીનો નજારો માણ્યો હતો.