ગોંડલ: ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષર મંદિરના 90મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. 90 વર્ષ પૂર્વે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીં ત્રિશિખરીય મંદિરનું નિર્માણ કર્યું હતું ત્યારથી લઈને આજ દિન સુધી આ મંદિર દ્વારા અનેક લોકોને જીવન ઘડતરની શીખ પ્રાપ્ત થઈ છે. વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ કહેતાઃ ‘મનને સ્થિર કરે તે મંદિર. પરમાત્માને પામવાનું સ્થાન એટલે મંદિર.’ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા આ અક્ષરમંદિરને આ વર્ષે 90 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
પાટોત્સવની પૂર્વ સંધ્યાએ શુક્રવારે ગોંડલના રાજમાર્ગો પર એક ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 30 જેટલા આકર્ષક અને કલાત્મક ફ્લોટસે આકર્ષણ જમાવ્યું હતું. બહોળી સંખ્યામાં હરિભક્તો અને નગરજનો આ કળશયાત્રામાં જોડાયા હતા. આ કળશ યાત્રાનો આરંભ અક્ષર પુરુષોત્તમ મહારાજની પૂજનવિધિ દ્વારા ગોંડલ અક્ષર મંદિરના કોઠારી દિવ્યપુરુષ સ્વામી અને આરુલિ ભગત અને ગોંડલ નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ ચનિયારા સહિતના આગેવાનોએ કરાવ્યો હતો. નગરજનો દ્વારા આ કળશ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત તેમજ અભિવાદન કરાયું હતું. યાત્રાના માર્ગ પર હરિભક્તો માટે ઠેર ઠેર પાણી, શરબત તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરાઇ હતી. શહેરમા સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી સ્વચ્છતા રથ પણ કાર્યરત હતો. અક્ષર મંદિર ખાતે આ ભવ્ય કળશયાત્રા વિરામ પામી ત્યારે હરિભક્તોએ સમૂહ આરતી દ્વારા ઠાકોરજીને વધાવ્યા હતા.
આ પ્રસંગે ઠાકોરજીની મહાપૂજાવિધિ, ષોડશોપચાર પૂજનવિધિ તેમજ સત્સંગ પારાયણનું આયોજન કરાયું હતું. જેમાં સારંગપુર સ્થિત બીએપીએસ મંદિરના વિદ્વાન વક્તા સંતોએ બિરાજી ‘અક્ષરધામ ગાથા’ વિષયક કથામૃતનું પાન કરાવ્યું હતું.