ગોંડલમાં ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ઉજવાયો, આતશબાજીથી આકાશ થયું ઝળાંહળાં!

Tuesday 31st October 2023 15:40 EDT
 
 

ગોંડલઃ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ શરદપૂર્ણિમાને દિવસે થયો હતો. આ વર્ષે તેમના 239મા અક્ષર જન્મોત્સવની ઉજવણી ગોંડલ ખાતે અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંજે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં શરદોત્સવની સભાનું આયોજન થયું હતું. આ સભામાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો અને હજારો હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.
આ દિવસે રવિવાર હોવાથી સવારથી જ મંદિર પરિસર હરિભક્તોની ભીડથી ઉભરાયું હતું. સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી શરદોત્સવની મુખ્ય સભાનું આયોજન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. શરદોત્સવની મુખ્ય સભામાં ગોંડલના રાજવી પરિવારના હિમાંશુસિંહજી તથા ઉપેન્દ્રસિંહજી, સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહજી જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહજી જાડેજા તેમજ ભૂવનેશ્વરી પીઠના પૂ. શ્રી રવિદર્શનજી સહિત મોટી સંખ્યામાં સંતો-મહંતો અને મહાનુભાવો હાજર રહ્યા હતા.
સાંજની શરદોત્સવ સભામાં આ ઉત્સવનો મર્મ સમજાવાયો હતો. અક્ષરબ્રહ્મની જરૂર, અક્ષરબ્રહ્મના ગુણો, અક્ષરબ્રહ્મના કાર્યો તેમ જ અક્ષરબ્રહ્મના સ્વરૂપ વિશે પ્રવચનોનો લાભ સૌ હરિભક્તોને મળ્યો હતો. પૂ. સંતોના પ્રવચન દ્વારા ઉપસ્થિતઓને પ્રગટ અક્ષરબ્રહ્મના દિવ્યકાર્ય અને મહિમા વિશે જાણકારી મળી હતી. લોકોએ અતિ ભાવ સાથે આ પ્રવચનોનો લાભ લીધો હતો. આ સાથે જ યુવકો દ્વારા રસપ્રદ સંવાદ પ્રસ્તુત થયા હતા અને રાસનું પણ આયોજન થયું હતું. ઠાકોરજીની આરતી વખતે આતશબાજી કરવામાં આવી હતી. આકાશ રંગબેરંગી રોશનીથી ઝગમગ થઈ ઉઠ્યું હતું. આવનાર ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને અક્ષર દેરી અને મંદિરમાં સૌને સરસ રીતે દર્શન થાય તે માટે દર્શન વ્યવસ્થાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સભાના અંતમાં પ્રગટ ગુણાતીત સંત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશિર્વાદનો લાભ પણ સૌ હરિભક્તોને મળ્યો હતો.
પ.પૂ. મહંત સ્વામીનું ગોંડલ વિચરણ
પ.પૂ. મહંતસ્વામી મહારાજ અમેરિકાના રોબિન્સવિલમાં વિચરણ અને ભવ્યાતિભવ્ય અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ ગોંડલ પધાર્યા છે. તેઓ પ્રમુખસ્વામીની પરંપરા આગળ વધારી શરદ પૂનમથી ભાઈબીજ સુધી હાજર રહેશે. દશેરાના સપરમા દિવસે જ તેમનું ગોંડલ આગમન થતાં સૌ ભક્તોએ ધામધૂમપૂર્વક અક્ષર મંદિર ખાતે સ્વાગત કર્યું હતું. મહંત સ્વામીના આગમનને લઈને અક્ષર મંદિરના પરિસરને રંગભરી રોશનીથી શણગારવામાં આવ્યું છે. હરિભક્તોમાં અનેરો ઉત્સાહ વર્તાય રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter