લંડનઃ ગ્રાન્ટ થોર્નટનની લંડનસ્થિત ફિન્સબરી સ્કવેર ખાતે મંગળવાર 7 નવેમ્બરે દિવાળીની ઉજવણીનો ઝગમગાટ રેલાયો હતો જ્યાં વિશાળ સંખ્યામાં લોકોએ ઉત્સવને દિલથી માણ્યો હતો. યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણીની ઉપસ્થિતિએ ઉજવણીની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ભારતીય સ્વાદિષ્ટ વાનગીઓની સુંદર પશ્ચાદભૂમાં અનુજ ચંદે OBE અને લોર્ડ કરણ બિલિમોરિયાના પ્રેરણાદાયી સંબોધનો નોંધપાત્ર બની રહ્યા હતા. સુંદર રંગોળી અને ઝગમગ થતાં દીવડા થકી ચમત્કારી વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે અનુજ ચંદેએ જણાવ્યું હતું કે,‘ અમારા મિત્રો, ક્લાયન્ટ્સ અને કોન્ટેક્ટ્સને અમારી લંડન ઓફિસો પર મંગળવાર 7 નવેમ્બરે દિવાળીની ઉજવણી માટે યજમાન બનતા અને ગત વર્ષ દરમિયાન તેમના સાથ-સહકાર બદલ તેમનો આભાર માનવામાં અમને ભારે ખુશી થઈ હતી. દીવાળી એ અશુભ પર શુભ, અંધકાર પર પ્રકાશ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક છે. વિશ્વમાં આ મુશ્કેલ સમયમાં દિવાળી શાંતિ માટે આશાનું કિરણ લાવે છે.’
લોર્ડ બિલિમોરિયાએ ઉમેર્યું હતું કે,‘ પ્રકાશનો ઉત્સવ દિવાળી અશુભ પર શુભ અને અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જે દીપ પ્રગટાવીએ છીએ તે આગામી વર્ષમાં આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિ માટે આપણી આશાને દર્શાવે છે. વૈશ્વિક અરાજકતાપૂર્ણ પરિસ્થિતિમાં દિવાળીની ભાવના વિશેષ મહત્ત્વપૂર્ણ બની રહે છે. હું આપ સહુને આનંદપૂર્ણ દિવાળી અને સમૃદ્ધ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું.’
આ ઈવેન્ટ યુકે-ભારત બિઝનેસના ફલક પર મહાનુભાવો, ક્લાયન્ટ્સ અને મિત્રો માટે મુલાકાત સ્થળ બની રહ્યો હતો જ્યાં ‘અતિથિ દેવો ભવ’ની લાગણી પ્રદર્શિત થતી હતી. યુકેના અર્થતંત્રમાં ભારતીય કંપનીઓ રોકાણ અને વેપાર બંનેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 10મા ગ્રાન્ટ થોર્નટન- સીઆઈઆઈ ઈન્ડિયા મીટ્સ બ્રિટન રિપોર્ટ 2023માં યુકેને ભારતીય બિઝનેસીસ માટે મુખ્ય બજાર તરીકે ગણાવાયું છે, જેમાં તાજેતરના વૈશ્વિક આર્થિક ઘટનાક્રમોની પશ્ચાદભૂમાં બંને દેશો વચ્ચે તંદુરસ્ત આર્થિક ભાગીદારીનું મહત્ત્વ દર્શાવાયું છે.
ગ્રાન્ટ થોર્નટનના સાઉથ એશિયા બિઝનેસ ગ્રૂપ દિવાળી રિસેપ્શનમાં અક્ષયપાત્ર કિઓસ્ક ધ્યાનાકર્ષક રહ્યું હતું જ્યાં વંચિત બાળકોના ટેકા તરીકે ગિફ્ટ બોક્સીસ પ્રદર્શિત કરાયા હતા. આ હાર્દિક શુભચેષ્ટાએ તેમની દિવાળીની ઉજવણીઓમાં વિશિષ્ટ પ્રાણ પૂર્યો હતો. આ ઈવેન્ટમાં દિવાળીની સંપ અને ખુશીની ભાવનાને પ્રકાશિત કરાવા સાથે ભારત- યુકે સહકારના મહત્ત્વને પ્રદર્શિત કરાયું હતું. આ વર્ષે યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ઉજ્જવળ શક્યતાઓ યુકેમાં ભારતીય વૃદ્ધિનો સંકેત આપે છે. ભારતીય અર્થતંત્ર 2030 સુધીમાં વિશ્વમાં સૌથી મોટા ત્રીજા ક્રમના અર્થતંત્ર તરીકે બહાર આવવા સજ્જ છે ત્યારે ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષી વેપાર અને રોકાણોની વૃદ્ધિ પણ નિશ્ચિત છે.