લંડનઃ નોર્થ લંડનમાં ગ્રીમ્સડાઈક વોકિંગ ગ્રૂપના હિસ્સો રહેલી ટીમ સોલમેટ્સના સભ્યોએ ચેરિટી 3Food4U માટે નાણા એકત્ર કરવા 29-30 એપ્રિલ 2023ના બેન્ક હોલીડ વીકએન્ડમાં આઈલ ઓફ વાઈટમાં અલ્ટ્રા ચેલેન્જ 106 કિ.મી. (66 માઈલ) ચાલવાના પડકારમાં ભાગ લીધો હતો. ટીમના એક આયોજક કલ્પના પારડીવાલાએ જણાવ્યા મુજબ આ ચેલેન્જ ભારે તાકાત ખર્ચાવી થકાવનારી હતી જેમાં ઘણા લોકો તો રાતના સમયે ચાલ્યા હતા. ઝડપી ગતિએ ચાલતા અજય ચૌહાણ અને રશ્મિ પટેલે તો આ ચેલેન્જ માત્ર 24 કલાકમાં પૂર્ણ કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી જ્યારે અન્યોએ બે દિવસમાં પૂર્ણ કરી હતી.
આ ચાલવાના માર્ગમાં ટેકરીઓ, સપાટ જમીન, તટવર્તી રસ્તા તેમજ પેવમેન્ટ સહિત તમામ પ્રકારના વિસ્તારોનો સમાવેશ થયો હતો. હવામાન સુંદર હતું અને હજારો ચાલનારા, દોડનારા અને હાઈકર્સને વધાવી લેવા માર્ગ પર ભારે ભીડ પણ હતી. ગ્રીમ્સડાઈક વોકિંગ ગ્રૂપના વર્તમાન રૂટ કોઓર્ડિનેટર અને ટીમ સોલમેટ્સના ટીમ સભ્ય રશ્મિ પટેલે જણાવ્યું હતું કે,‘અમારી ફિટનેસનું સ્તર જળવાઈ રહે તે માટે ટીમના સભ્યો લાંબુ ચાલવા સહિતની નિયમિત ટ્રેનિંગ લેતા હતા.’ સંજય રુઘાણીએ ઉમેર્યું હતું કે,‘નિયમિત મળવાના કારણે ટીમ સ્પિરિટને મદદ મળે છે, લાંબા ટકાઉ સંબંધો, બંધુત્વની ભાવના તેમજ ફિટનેસ લેવલ અને સામાજિક મેલજોલનો માનવીય અનુભવ મળે છે.’
આ વર્ષે ટીમે સંજય રુઘાણી સભ્ય છે તે લાયન્સ ક્લબ ઓફ લંડન સેવન કિંગ્સનો સપોર્ટ ધરાવતી ચેરિટી 3Food4U https://3food4u.org/ને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. આ ચેરિટી જરૂરિયાતમંદોને મફત ગ્રોસરીઝ, વસ્ત્રો અને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડે છે. 10,000 પાઉન્ડ અને વધુ રકમનું લક્ષ્ય નિશ્ચિત કરાયું હતું જેમાંથી 7,000 પાઉન્ડ એકત્ર કરાયા હતા. જેમને ઈચ્છા હોય તેઓ https://localgiving.org/3Food4U-UltaChallengeSoleMatesમારફત દાન કરી શકે છે.
ગ્રીમ્સડાઈક વોકિંગ ગ્રૂપના 25-50 કિલોમીટર વચ્ચે ચાલવાનું લક્ષ્ય ધરાવતા અન્ય સભ્યો પણ ટીમ સાથે જોડાયા હતા. સૌથી નાના અને 13 વર્ષના વીર ઠકરાર અને તેની 15 વર્ષીય બહેન દિયા ઠકરારે પહેલી જ વખત ભાગ લઈને 25 કિલોમીટર ચાલવાનું લક્ષ્ય પૂર્ણ કર્યું હતું. સોલમેટ્સ અને ગ્રીમ્સડાઈક વોકિંગ ગ્રૂપના સભ્યોએ અગાઉ 50 કિલોમીટરની ઘણી ચેલેન્જીસ તેમજ નેશનલ 3 શિખરો સર કરવા સહિતના પડકારોમાં ભાગ લીધો છે અને લેતા રહેશે.
ગ્રીમ્સડાઈક વોકિંગ ગ્રૂપ દર વીકએન્ડ પર નિયમિત મળતા રહે છે અને લોકપ્રિય સેન્ટ બેસિલ્સ ચેરિટી વોક સહિત વિવિધ હાઈક્સનું આયોજન કરે છે. આ વર્ષે ગ્રૂપના 230 સભ્યો તેમાં ભાગ લઈ રહ્યા છે.