ગ્લાસગોમાં પ્રથમ વખત બાપ્પાની ભવ્ય શોભાયાત્રા નીકળી

Friday 29th September 2023 06:45 EDT
 
 

ગ્લાસગોઃ સ્કોટલેન્ડના પોર્ટ સિટી ગ્લાસગોના રસ્તાઓ ૫૨ રવિવારે મિની મુંબઇની ઝલક જોવા મળી હતી. ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરમાં પહેલી વખત યોજાયેલી ભગવાન ગણપતિની શોભાયાત્રામાં ભારતીય હિન્દુ સંસ્કૃતિની ઝાંખી ઝળકતી હતી. જેમાં ધ્વજવાહકોથી લઇને ઢોલનગારાં સાથે 2000થી વધુ લોકો પારંપરિક મરાઠા પોશાકમાં જોવા મળ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના આયોજક અભિજીત ચૌહાણે એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આમ તો પાંચમા વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને સમગ્ર ઉત્સવનું આયોજન ગ્લાસગો ઇન્ડિયન્સ ગ્રૂપ દ્વારા કરવામાં આવે છે. જોકે આ વખતે પ્રથમ વખત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્લાસગોમાં વસતા મધ્ય પ્રદેશના રાજગઢના નયન નાગરે કહ્યું હતું કે અહીં આપણી સંસ્કૃતિની ઝલક રજૂ કરવાની જવાબદારી લેનાર ગ્રૂપનું નામ ગ્લાસગો ઇન્ડિયન્સ ગ્રૂપ છે. પ્રથમ વખત શોભાયાત્રા માટે ગ્રૂપના લોકોએ એક મહિના પહેલાથી જ આની તૈયારી શરૂ કરી હતી. ગ્રૂપમાં સામેલ ગોવાના મિથિલેશ ભીંડેએ ઢોલનગાડાની તાલીમ આપી હતી. તેમને ઇન્દોરના અનુપ આપ્ટેએ સાથ આપ્યો હતો. પંચમીના દિવસે જ્યારે જ્યોર્જ સ્કવેરથી શોભાયાત્રા શરૂ થઇ ત્યારે સૌથી આગળ ભગવા ધ્વજધારકો રહ્યા હતા. તેમની પાછળ ઢોલ મંડળીઓ હતી. શોભાયાત્રા ગ્લાસગોના લોકપ્રિય હિન્દુ મંદિરે પૂર્ણ થઇ હતી. મહિલા દળમાં સામેલ શીતલ ચતુર્વેદીએ કહ્યું હતું કે, છેલ્લે ભંડારાનું આયોજન કરાયું હતું ઉલ્લેખનીય છે કે આ હિન્દુ મંદિરમાં પથ્થરનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે.
મંદિરના નિર્માણમાં આશરે 20 લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ કરાયો છે. પથ્થરો બલ્ગેરિયા, તુર્કિયે, ગ્રીસ, ઇટાલી, ભારત, ચીનથી લઇને યુરોપ, એશિયા, લેટિન અમેરિકાથી મંગાવવામાં આવ્યા છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ એ રીતે કરાયું છે કે તે આશરે એક હજાર વર્ષ સુધી ટકી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter