લંડનઃ ગ્લોબલ લોહાણા કોમ્યુનિટીમાં એકતા અને સહકારને સાકાર કરવાના ઉદ્દેશ સાથેનો નોંધપાત્ર સંયુક્ત ઈવેન્ટ નોર્થ લંડન ખાતે ધામેચા લોહાણા સેન્ટર યુકેમાં 22 સપ્ટેમ્બરે યોજવામાં આવ્યો હતો. આ ઈવેન્ટમાં શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખસતીષભાઈ વિઠલાણીની ઉપસ્થિતિ નોંધપાત્ર બની રહી હતી.
સમગ્ર વિશ્વના લોહાણાઓને એકસાથે લાવવાના વિવિધ માર્ગોની ચર્ચા કરવા એકત્ર થયેલા અગ્રણીઓનો મુખ્ય ઉદ્દેશ બિઝનેસ નેટવર્કિંગ, મેડિકલ પ્રોફેશનલ્સની શોધ અને યોગ્ય સંપર્કો સ્થાપિત કરવા જેવા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખે પ્રેરણાદાયી ચાવીરૂપ સંબોધન કર્યું હતું જેમાં વૈશ્વિક લોહાણા કોમ્યુનિટીમાં એકતા અને સહકારના મહત્ત્વ પર ભાર મૂકાયો હતો.
આ ઈવેન્ટમાં લોહાણા વિરાસત ધરાવતા બિઝનેસ પ્રોફેશનલ્સ, હેલ્થકેર પ્રેક્ટિશનર્સ અને કોમ્યુનિટીના અગ્રણીઓ સહિત વિવિધ ક્ષેત્રોમાંથી લોકોએ હાજરી આપી હતી. ઈવેન્ટમાં આયોજિત પેનલચર્ચાઓ અને વર્કશોપ્સ મારફત લોહાણા વ્યક્તિઓ અને બિઝનેસીસ એકબીજા સાથે સહકાર સાધે અને સપોર્ટ કરી શકે તે માટેની વ્યવહારુ રણનીતિઓ વિચારવામાં આવી હતી.
આ ઈવેન્ટ દરમિયાન યોજાએલી ચર્ચાઓ અને વર્કશોપ્સ થકી સમગ્ર વિશ્વમાં લોહાણા કોમ્યુનિટી વચ્ચે ભાવિ સહકાર અને સપોર્ટનો પાયો નાખવામાં આવ્યો હતો. આ ઈવેન્ટ લોહાણા કોમ્યુનિટીની શક્તિ અને સ્થિતિસ્થાપકતાનો સાક્ષીરૂપ બની રહ્યો હતો જેમાં, વિકાસ, સમૃદ્ધિ તેમજ પારસ્પરિક સહકાર અને નેટવર્કિંગ થકી સામૂહિક સ્વાસ્થ્ય-કલ્યાણની સંભાવનાઓ નજરે ચડી હતી.
સમૃદ્ધ લોહાણા સંસ્કૃતિને ઉજવવા આ ઈવેન્ટમાં સાંસ્કૃતિક પરફોર્મન્સીસ, પરંપરાગત ખોરાક અને લોહાણા વિરાસતનું દર્શન કરાવતા પ્રદર્શનોનો પણ સમાવેશ કરાયો હતો.