દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં 10 મે - અખાત્રીજથી શરૂ થઈ રહેલી ચાર ધામ યાત્રાનો ઉત્સાહ ઘણો વધુ જોવા મળી રહ્યો છે. રજીસ્ટ્રેશન શરૂ થયાના ચાર જ દિવસમાં 14 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નામ નોંધાવ્યા છે. ગયા વર્ષે ચાર મહિનામાં 55 લાખ શ્રદ્ધાળુ આવ્યા હતા તે જોતાં આ વખતે વિક્રમ તૂટે તેવી શક્યતા છે. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ સી. રવિશંકરના કહેવા પ્રમાણે આ વર્ષે પહેલી વાર ચાર ધામ માટે ચાર્ટર્ડ હેલિકોપ્ટર સેવા શરૂ થઈ રહી છે. તેમાં 4 લોકો રૂ. 3.5 લાખમાં એક ધામની યાત્રા કરી શકશે. ચારેય ધામ માટે વ્યક્તિદીઠ રૂ. 1.95 લાખ ભાડું થશે. આ ભાડામાં આવન-જાવન, રોકાવાનું અને ભોજન સમાવિષ્ટ છે.
સામાન્ય હેલિકોપ્ટર સેવાના ભાડામાં પાંચ ટકાનો વધારો ઝીંકાયો છે. હવે ગૌરીકુંડથી 18 કિમી પહેલાં ફાટાથી કેદારનાથ જાવ તો એક બાજુનું વ્યક્તિદીઠ ભાડું રૂ. 2,886 થશે જ્યારે ગુપ્તકાશીથી રૂ. 4,036 થશે. પહેલાં હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 15 દિવસના સ્લોટમાં થતું હતું. જોકે આ વખતે 10 મેથી 20 જૂન અને 15 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર, એમ એક મહિનાનો સ્લોટ રહેશે.
કેદારનાથ સુધી સુપરફાસ્ટ નેટવર્ક
કેદારનાથના આખા ટ્રેક પર ફોર-જી અને ફાઇવ-જી નેટવર્ક મળશે. આ માટે 4 ટેલિકોમ ટાવર લગાવાયાં છે. ગયા વર્ષે આ ટ્રેક પર બહુ ઓછી જગ્યાએ નેટવર્ક પકડાતું હતું. મંદિર પર વાઈ-ફાઈનો ઉપયોગ કરવો હોય તો સરકારી ચિઠ્ઠી લેવી પડતી હતી પરંતુ હવે ત્યાં પણ સુપરફાસ્ટ નેટવર્ક મળશે. આમ લોકોનો સ્વજનો સાથેનો સંપર્ક સરળ બનશે.
બે ધામમાં ઓનલાઇન પૂજા બુકિંગ
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના સીઇઓ યોગેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે આ વખતે ઓનલાઇન પૂજા 30 જૂન સુધી જ થશે. તેમાં શ્રીમદ્ ભાગવતના પાઠ માટે રૂ. 51 હજાર તો મહાભિષેક માટે રૂ. 12 હજાર નક્કી કરવામાં આવ્યા છે.