લંડનઃ તાજેતરમાં નવી સજાવટ કરાયેલું ચિન્મય કીર્તિ મંદિર લંડનના મેયર સાદિક ખાનની આગેવાની હેઠળ હેન્ડોન હબ વિકાસયોજનાના કારણે ખતરામાં આવી ગયું છે. બાર્નેટની લેબર કાઉન્સિલ દ્વારા સુપરત કરાયેલા પ્લાન્સથી લંડનના સૌથી પ્રખ્યાત હિન્દુ મંદેરોમાં એક ચિન્મય મિશનના સંચાલનમાં મુશ્કેલી સર્જાઈ છે. હેન્ડોનનું ચિન્મય કીર્તિ મંદિર વેદાંતના સાર્વત્રિક ડહાપણને આગળ વધારતું અભ્યાસ કેન્દ્ર છે.
મિડલસેક્સ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એકોમોડેશન ઉભું કરવા ચિન્મય કીર્તિની બાજુમાં આવેલા કાર પાર્કિંગને બંધ કરવાની લેબર યોજનાનો સ્થાનિક કોમ્યુનિટી અને રહેવાસીઓએ ભારે વિરોધ કર્યો છે કારણકે તેનાથી સ્થાનિક ચર્ચ અને સિનેગોગને પણ મુશ્કેલી નડશે. ચિન્મય મિશનને લેબરની યોજનાઓનો વિરોધ કરવાના તેના અભિયાનમાં કોમ્યુનિટીનો જોરદાર સપોર્ટ મળી રહ્યો છે. લેબરની હેન્ડોન હબ વિકાસયોજનાથી આ વિસ્તારમાં કાર પાર્કિંગનું નુકસાન થશે એટલું જ નહિ, વિસ્તારમાં અસામાજિક તત્વોની ખરાબ વર્તણૂંક વધી જશે.
ચિન્મય મિશન યુકેના પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી સુરેશ વાધવાણીએ જણાવ્યું હતું કે,‘અમે શહેરી વિકાસને ટેકો આપીએ છીએ પરંતુ, આ મુદ્દે પરામર્શના અભાવ અને મૂકાયેલી દરખાસ્તોની ડિઝાઈન બાબતે અમારી ઘણી ચિંતાઓ પણ છે. એકબીજાની નજીક આવેલા ત્રણ ધર્મસ્થાનો સાથે મુખ્યત્વે પરિવારો સાથેના નેબરહૂડમાં આટલા વિશાળ પાયા પરનું સ્ટુડન્ટ એકોમોડેશન આપણી કોમ્યુનિટીની પૂજાઅર્ચનાની આઝાદી પર તરાપ મારે છે. અમારે એ બાબતે ખાતરીઓ અને ચોક્કસ દરખાસ્તો જોઈએ છે કે દાયકાઓથી કોમ્યુનિટીની સેવા કરી રહેલા ત્રણ ધર્મસ્થળો માટે પાર્કિંગની વ્યવસ્થા અને ત્યાં પહોંચવાની સમસ્યાનું નિકાકરણ કેવી રીતે કરાશે.
યોજનાની દરખાસ્તો પર મેયરના નિર્ણય અગાઉ જનતા દ્વારા કરાયેલી ટીકા-ટીપ્પણીઓથી અમે પ્રોત્સાહિત થયા છીએ. અમે આશા રાખીએ કે જે વાંધા ઉઠાવાયા છે તેના પર યોગ્ય વિચારણા થાય અને કોઈ પણ પ્રપોઝલ સ્થાનિક વિસ્તાર- કોમ્યુનિટીની જરૂરિયાતો સાથે સંતુલિત બની રહે તે માટે દરખાસ્તો પર પુનઃવિચારણા માટે અટકવાની તક હવે છે.’
સ્થાનિક કેમ્પેઈનર બ્રાડ બ્લિટ્ઝે જણાવ્યું હતું કે,‘ એ જરા આશ્ચર્યજનક છે કે સેવ હેન્ડોન કેમ્પેઈનથી જોવા મળ્યું છે તેમ રહેવાસીઓમાં લોકપ્રિય ન હોય તેવી હેન્ડોન હબ ડેવલપમેન્ટ મુદ્દે બાર્નેટ કાઉન્સિલ આગળ વધી રહી છે. આનાથી રહેવાસીઓને કોઈ દેખીતો લાભ થતો જ નથી.’
હેન્ડોનમાં જ જન્મેલા અને ચિન્મય મિશનમાં નિયમિત હાજરી આપતા સ્થાનિક કન્ઝર્વેટિવ પાર્લામેન્ટરી ઉંમેદવાર અમીત જોગીઆ ડેવલપમેન્ટ પ્લાન્સના વિરોધની આગેવાની સંભાળી રહ્યા છે. અમીત જોગીઆએ જણાવ્યું હતું કે,‘ આ ડેવલપમેન્ટથી માત્ર ચિન્મય મિશન હિન્દુ મંદિરને વિપરીત અસર થશે એવું નથી પરંતુ, આ વિસ્તારના અન્ય ધાર્મિક સંસ્થાનોને પણ અસર પહોંચશે. હેન્ડોન દેશમાં સૌથી વૈવિધ્યપૂર્ણ મતક્ષેત્રોમાં એક છે અને હું તમામ કોમ્યુનિટીઓને સપોર્ટ કરવા પ્રતિબદ્ધ છું, આથી આ ડેવલપમેન્ટ સામે મારો વિરોધ છે.’
અમીત જોગીઆ હેન્ડોનના પ્લાન્સ બાબતે પુનઃવિચારણા કરવા લંડનના મેયર સાથે લોબીઈંગ- વાતચીતો ચલાવી રહ્યા છે.