ચાતુર્માસમાં અધિક માસના સુયોગને ધ્યાનમાં લઈને ચિન્મય મિશન - અમદાવાદ દ્વારા ૧૮ સપ્ટેમ્બરથી શ્રીમદ્ ભાગવત સ્તુતિમાલા જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. ૧૬ ઓક્ટોબર સુધી ચાલનારા આ જ્ઞાનયજ્ઞ અંતર્ગત સ્વામી અવ્યયાનંદજી દરરોજ સાંજે ૬.૩૦થી ૭.૧૫ વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવત પર ગુજરાતી ભાષામાં પ્રવચન આપી રહ્યા છે. આ મનનીય પ્રવચનનું ચિન્મય મિશન અમદાવાદના ફેસબુક પેજ પરથી જીવંત પ્રસારણ થઇ છે તો બીજા દિવસે સવારે ૯.૦૦થી ૯.૪૫ સુધી ચિન્મય મિશનની પરમધામ યુ-ટ્યૂબ ચેનલ પરથી તેનું પુનઃ પ્રસારણ થાય છે. પુરુષોત્તમ માસમાં શ્રીમદ્ ભાગવત ગીતાના પવિત્ર ગ્રંથના શ્રવણનું અધિક મહત્ત્વ છે અને તેનું પુણ્ય પણ અનેકગણું મળતું હોવાનું કહેવાય છે. ભાગવતમાં ભગવાન વિષ્ણુના ભક્તોની ગાથા કહેવાઈ છે અને તેમણે ભગવાનની જે સ્તુતિ કરી છે તેમાં રહેલી ભક્તિ અને જ્ઞાનનો પ્રકાશ ભાગવત સાંભળનારને જીવનનું સાચું લક્ષ્ય બતાવે છે. અત્યારે કોરોનાને કારણે લોકો મનમાં અનેક પ્રકારની નકારાત્મક લાગણીઓને કારણે અસહાયતાનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ અસુરરૂપી નકારાત્મકતાઓને અનોખી રીતે નષ્ટ કરે છે તેની કથા ભાગવતમાં સુંદર રીતે આલેખાઈ છે. કોરોના મહામારીના વર્તમાન માહોલમાં લોકોના મનને શાંતિ અને ઊર્જા મળી રહે તેવા ઉમદા હેતુથી ચિન્મય મિશન દ્વારા આ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે, સહુ કોઈ તેનો ઓનલાઇન લાભ લઈ શકે છે.