ચિન્મય મિશનના અમદાવાદ સ્થિત પરમધામ મંદિરે ૧૦થી ૧૯ સપ્ટેમ્બર - દસ દિવસના ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્સવનો આરંભ ૧૦ સપ્ટેમ્બરે - શુક્રવારે ગણેશચતુર્થીના રોજ સવારે ૬.૩૦ વાગ્યે (ભારતીય સમય પ્રમાણે) ગણપતિ હવન સાથે થશે. તે પછી ૭.૩૦ થી ૮.૩૦ વાગ્યા સુધી ગણેશજીની સ્થાપના પૂજા થશે. દરરોજ સાંજે ૬.૩૦થી ૮.૦૦ વાગ્યા સુધી મંગલમૂર્તિની વિશેષ પૂજા અને ૧૧ વખત ગણપતિ અથર્વશીર્ષનું પારાયણ કરવામાં આવશે. આ સંસ્કૃત સ્તોત્રમાં ગણપતિ ભગવાનનો સચ્ચિદાનંદસ્વરૂપ તરીકે મહિમા ગવાયો છે અને સ્તોત્રનો પાઠ કે પારાયણ કરવાનું ગણેશઉપાસનામાં ખૂબ મહત્ત્વનું ગણાય છે. પરમધામમાં દર વર્ષની જેમ ગણેશજીની માટીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવીને તેની પૂજા-અર્ચના કરવામાં આવશે અને અનંત ચૌદસે તેની વિસર્જનપૂજા કરીને મંદિર પરિસરમાં જ વિધિપૂર્વક વિસર્જન કરવામાં આવશે. સમગ્ર ઉત્સવનું ચિન્મય મિશન અમદાવાદની યુ-ટ્યૂબ ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.