ચિન્મય મિશનના ગ્લોબલ હેડ સ્વામી સ્વરૂપાનંદે લંડનની મુલાકાત લીધી

Wednesday 26th September 2018 07:29 EDT
 
 

ચિન્મય મિશન વર્લ્ડ વાઈડના હાલના વડા સ્વામી સ્વરૂપાનંદ તા.૧૩થી તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન અંગ્રેજી ભાષામાં ' સિક્રેટ્સ ઓફ હનુમાન ચાલિસા ' વિષય ઉપર પ્રવચન માટે લંડનની મુલાકાતે આવ્યા હતા. તેમણે અન્ય કાર્યક્રમોની સાથે ‘હનુમાન ચાલીસા’ના મહત્ત્વ વિશે વાત કરીને તેની ઉંડાણપૂર્વક સમજ આપી હતી.

લંડન મુલાકાતના પ્રારંભે સ્વામી સ્વરૂપાનંદે મિલ્ટન કેઈન્સમાં ૧૮થી ૩૫ વર્ષના લોકો માટે ‘જર્ની ટુ હેલ્થ’ વિષય પર આયોજીત કાર્યક્રમમાં પ્રવચન આપ્યું હતું. તેમણે આપણા મન અને વિચારો વચ્ચેના ગાઢ સંબંધની અને તેની શારીરિક સ્વસ્થતા પર થતી અસર વિશે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

મીડલસેક્સના હેરોમાં આવેલા ધામેચા લોહાણા સેન્ટર ખાતે તા.૧૭થી ૨૨ દરમિયાન આયોજીત પ્રવચનમાળામાં દરેક વયજૂથના લગભગ ૧,૦૦૦ લોકો દરરોજ હાજર રહ્યા હતા. સ્વામી સ્વરૂપાનંદે અતિ લોકપ્રિય હનુમાન ચાલીસાના એક-એક દોહામાં રહેલા આધ્યાત્મિક ઉંડાણ અને શક્તિને ઉજાગર કર્યા હતા. તેમણે હનુમાન ચાલીસાના ગાનથી મળતી શક્તિ અને આધુનિક સમયમાં દોહાની પ્રાસંગિકતાનું સુંદર નિરુપણ કર્યું હતું. દરરોજ સાંજે ઉત્સાહી શ્રોતાઓથી હોલ ભરાઈ જતો હતો. પ્રવચન બાદ દરરોજ ડિનરની વ્યવસ્થા રખાઈ હતી.

ચિન્મય મિશન યુકે લંડન સેન્ટર, હેન્ડનમાં ચિન્મય કિર્તી ખાતે દરરોજ વહેલી સવારે ‘તપોવન શતકમ’ પર સ્વામી સ્વરૂપાનંદના પ્રવચનનું આયોજન પણ કરાયું હતું.

સ્વામી સ્વરૂપાનંદની લંડનની મુલાકાતનું સમાપન તા. ૨૨ સપ્ટેમ્બરને શનિવારે હનુમાન ફેસ્ટિવલ સાથે થયું હતું. તેમાં દિવસભર સેંકડો પરિવારોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં હનુમાનની થીમ પર ગેમ્સ, સ્ટોરી ટેલિંગ સેશન્સ, પ્રવૃત્તિઓ, નાના બાળકો માટે આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ વર્કશોપ, ટીનેજર્સ માટે સ્વાસ્થ્યપ્રદ ભોજન નિદર્શન અને ‘ગ્રેસફુલ એજિંગ’, ‘રેઈઝિંગ લીટલ હનુમાન્સ’ અને ‘જર્ની ટુ હેલ્થ’ સહિત વિવિધ થીમ પર પ્રવચનો યોજાયા હતા. આ તમામ પ્રવૃત્તિનો ઉદેશ હનુમાનજીની માફક ઉમદા લક્ષ્યને સમર્પિત જીવન જીવવા તમામ ઉપસ્થિતોને પ્રેરણા પૂરી પાડવાનો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter