લંડનઃ ચેરિટી ઈનોકી દ્વારા 8 નવેમ્બરે પ્રતિષ્ઠિત હિલ્ટન લંડન સ્યોન પાર્ક ખાતે આયોજિત પ્રથમ લંડન કોર્પોરેટ દિવાળી બોલને નોંધપાત્ર સફળતા મળી હતી તેમજ ચિલ્ડ્રન્સ ચેરિટી સંસ્થા વેરાયટી અને ધ કાર્તિક ફાઉન્ડેશનના સહકારમાં દિવ્યાંગ અને વંચિત બાળકો માટે ગણનાપાત્ર ભંડોળ એકત્ર કરી શકાયું હતું. સાંસ્કૃતિક ઊજવણી, સખાવત અને અનુદાનના આ ભવ્ય ઈવેન્ટમાં સધરલેન્ડ, ICICI બેન્ક એશિયન વોઈસ-ગુજરાત સમાચાર, ડેટા ઈન્ક. હિન્દુસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એન્વિઝન કન્સલ્ટ્સ, ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન ગ્રૂપ સહિત કોર્પોરેટ વિશ્વ, સ્થાનિક સમુદાયો અને એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત મહાનુભાવો એકત્ર થયા હતા.
ઈનોકીના ચેરમેન અંજનીશ શેખરે જણાવ્યું હતું કે, ‘કોર્પોરેટ્સ અને ઉપસ્થિત મહેમાનોના ઉમળકાપૂર્ણ સપોર્ટથી અમે ગદ્ગદિત છીએ. આ ઈવેન્ટમાં દિવાળીની વૈવિધ્યપૂર્ણ રંગોમાં ઊજવણી જ નથી થઈ પરંતુ, ‘જીવનને ઊજવવા અને આશા આપવા’ માટે સમુદાયોને એકસાથે લાવવાના ઈનોકીના હાર્દને દર્શાવવા સમાવેશિતા અને એકતાનું પ્રતિબિંબ પણ પ્રદર્શિત થયું છે. વધુ અક્ષમ બાળકો અને યુવા લોકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આવશ્યક સાધનો, સપોર્ટ અને તક મળતી રહે તેની ચોકસાઈ સાથે ઈવેન્ટની તમામ આવક ચિલ્ડ્રન્સ ચેરિટી સંસ્થા વેરાયટી અને ધ કાર્તિક પ્રભુ ફાઉન્ડેશનને ફાળે જશે.’
ચિલ્ડ્રન્સ ચેરિટી સંસ્થા વેરાયટીના સીઈઓ લૌરેન્સ ગિનેસે જણાવ્યું હતું કે,‘ દિવાળીના પ્રકાશ, આશા અને દયાના થીમ્સને અનુલક્ષી વિવિધ ઓડિયન્સને એકસાથે લાવનારા આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ માટે ઈનોકી સાથે ભાગીદારી કરવાનો તેમજ વંચિત બાળકોના જીવનમાં વેરાયટી જે પ્રકારે રચનાત્મક અસર પ્રસરાવે છે તેને આગળ ધપાવવાનો અમને આનંદ છે.’
કાર્તિક પ્રભુ ફાઉન્ડેશનના ચેરમેન તુષાર પ્રભુએ જણાવ્યું હતું કે,‘ આ અસરકારક ઈવેન્ટનો હિસ્સો બની રહેવા બદલ અમે આભારી છીએ. લંડન દિવાળી બોલ ખાતે એકત્રિત ભંડોળ અમારા એક્સેસ ઈન્ટર્ન પ્રોગ્રામ સહિત શૈક્ષણિક ઈનિશિયેટિવ્ઝને ઉત્તેજન આપશે. એક્સેસ ઈન્ટર્ન ઈનિશિયેટિવ પ્રોપર્ટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં અક્ષમ યુવા લોકો માટે રોજગારીના માર્ગોના સર્જનને સમર્પિત છે. આમ ડિસેબલ્ડ યુવા લોકો સ્વતંત્ર ભવિષ્યના નિર્માણ માટે સક્ષમ બનશે તેથી સાથોસાથ કાર્યસ્થળે અક્ષમ લોકોને પડતી હાડમારી બાબતે એમ્પ્લોયર્સને વરવી વાસ્તવિકતાનું દર્શન કરાવશે.’
સધરલેન્ડના યુરોપ બિઝનેસના વડા નવીન મહેતાએ જણાવ્યું હતું કે,‘ ઈનોકીની આ પહેલ સામુદાયિક એકતા અને વંચિત બાળકો માટે સપોર્ટ માટે પ્રોત્સાહક કાર્ય બની રહેશે. ‘સેલિબ્રેટ લાઈફ, ગીવ હોપ’નું વિઝન મને ઘણું ગમ્યું છે. ઈવેન્ટની ગુણવત્તા, ઝીણામાં ઝીણી બાબતો તરફ ધ્યાન અને અમલ અમારી અપેક્ષાથી પણ ઘણા વધી ગયેલા છે. ઈનોકીના આગામી ઈવેન્ટ માટે અમે ઉત્સુક છીએ.’
લંડન દિવાળી બોલમાં બોલીવૂડ ડાન્સ સ્કૂલ દ્વારા રોમાંચક બોલીવૂડ નૃત્યો, સ્ટેન્ડ અપ કોમેડિયન અનુવાબ પાલની કોમેડી સહિત વિવિધ પરફોર્મન્સ જોવાં મળ્યાં હતાં. મહેમાનોએ ડિવાઈન મ્યુઝિકના નવીન કુન્દ્રા અને ડીજે ક્રેશના જીવંત સંગીતનો લહાવો લીધો હતો જ્યારે સેલેબ્રિટી શેફ સંજીવ કપૂરે પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું. સનરાઈઝ રેડિયોના અનુષ્કા અરોરાએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું અને કેંટરિંગની કામગીરી રાગાસને સંભાળી હતી.