ચેરીટી સંસ્થાઅો 'મેકમિલન કેન્સર સપોર્ટ' અને 'સેવ ધ ચિલ્ડ્રન્સ'ના લાભાર્થે લેસ્ટર, બર્મિંગહામ અને લંડન ખાતે ગત તા. ૨૫ થી ૨૭ માર્ચ દરમિયાન વિખ્યાત બોલિવુડ પ્લેબેક સિંગર અને ભજન ગાયીકા અનુરાધા પૌડવાલના ભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો.
જય્સ એન્ટરટેઇનમેન્ટના જયેશભાઇ કોટક દ્વારા લેસ્ટર, બર્મિંગહામ અને લંડનમાં યોજાયેલા ભક્તિ સંગીત કાર્યક્રમમાં સૌએ અનુરાધા પૌડવાલના કેટલાક ભક્તિગીતોને માણ્યા હતા. સંતોષી માતાના ભક્તિ ગીતો અને પૂજા માટે કાર્યક્રમો રજૂ કરનાર અનુરાધા પૌડવાલને સંગીત ક્ષેત્રે અપાયેલ યોગદાન બદલ પાર્લામેન્ટ ખાતે હેરો વેસ્ટના એમપી ગેરેથ થોમસ દ્વારા ઇલીંગ સાઉથોલના એમપી વિરેન્દ્ર શર્મા, લેસ્ટર વેસ્ટના એમપી જોન એશવર્થ, લોર્ડ કરણ બિલીમોરીયા અને અન્ય અગ્રણીઅોની ઉપસ્થિતીમાં એવોર્ડ એનાયત કર્યો હતો.
લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેલા 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલે ભક્તિ સંગીત અને ભજનના મહત્વ વિષે ટૂંકું વક્તવ્ય આપ્યું હતું.