લંડનઃ નોર્થોલ્ટમાં આવેલા શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC UK) સેન્ટરમાં રવિવાર 29 સપ્ટેમ્બર 2024ના દિવસે ચોવીસ ગામ ઊજમણી 2024નો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. મૂળિયા તરફ પરત જવાના વિષય સાથેની ઊજવણીમાં 24 ગામોનાં 7000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિકોત્સવની સવારનો આરંભ હનુમાનજી અને ગણેશજીના મંદિરોમાં આરતી સાથે થયો હતો. શ્રી સ્વામિનારાયણ વિલ્સડેન મંદિરના લેડિઝ બેન્ડ અને લેઝિમ તેમજ શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ હેરો પાઈપ બેન્ડ અને લેઝિમની સાથે 24 ગામના પ્રતિનિધિઓનું સરઘસ નીકળ્યું હતું. અગ્રણીઓના હાથમાં નકશા હતા જે મુખ્ય સ્ટેજના ડેકોરેશનમાં ચોવીસ ગામ કોયડાનો હિસ્સો બની રહ્યા હતા.
સંસ્થાના વાર્ષિક મેગેઝિનનું લોકાર્પણ કરાયું હતું તેમજ કોમ્યુનિટીના 60થી વધુ સ્ટોલ્સ સાથે એક્સ્પો પણ યોજાયો હતો. માનવંતા મહેમાનો કાર્ડિફ, બોલ્ટન તેમજ સમગ્ર યુકેમાંથી કોચીસમાં પ્રવાસ કરીને આવ્યા હતા. કાઉન્સિલર યીવોન જ્હોન્સન (ઈલિંગના મેયર), કાઉન્સિલર તારિક મહમૂદ (લેંબર ઈલિંગ કાઉન્સિલ), મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેમ્સ મરે ( લેબર-ઈલિંગ નોર્થ) સહિત અન્ય અનેક મહેમાનો અને દાતાઓનું સ્વાગત કરાયું હતું. SKLPC UKના પ્રેસિડેન્ટ માવજીભાઈ ધનજી જાદવા વેકરીઆએ મર્મસ્પર્શી સંબોધનમાં સભ્યોને અન્ય સંસ્થાઓને દાન અને યોગદાન આપતા હોય તે જ રીતે SKLPC UKના નવા સ્થળના બાંધકામ અને ઈન્ડિયા ગાર્ડન્સના નિર્માણ માટે ઉદારતાથી દાન આપવા જણાવ્યું હતું જેથી કોમ્યુનિટીની સંસ્કૃતિ અને પરંપરાઓની જાળવણીમાં બધા એકસંપ હોવાનું પ્રતીત થાય. SKLPC UKના જનરલ સેક્રેટરી રવિભાઈ વરસાણી અને શ્રી સ્વામિનારાયણ મંદિર ભૂજના સંતો અને બ્રેન્ટ અને હેરો માટે લંડન એસેમ્બલી મેમ્બર કૃપેશ હિરાણીએ પણ SKLPC UKના પ્રેસિડેન્ટ માવજીભાઈના સૂરમાં સૂર પુરાવ્યો હતો. કોમ્યુનિટીના માનવંતા મહેમાનોમાં સામજીભાઈ ડબાસીઆ (જયસામ), જીતુભાઈ હાલાઈ (પ્રાઈમ ગ્લેઝ), દેવજીભાઈ ભુડીઆ (સ્ટે ફિક્સ) અમદાવાદથી માનવંતા મહેમાન ઈશ્વરભાઈ પૂંજાણી -ટ્રેઝરર તેમજ અન્યોનો સમાવેશ થયો હતો.
SKLPCની મેનેજિંગ કમિટીના સભ્યો ક્રિકેટ ક્લબ, સેટરડે સ્કૂલ, એડવેન્ચર્સ, વોલીબોલ, બેડમિન્ટન, ફૂટબોલ ટુર્નામેન્ટ તેમજ વડીલ સંમેલન, કોમ્યુનિટીમાં જરૂરતમંદો અને અશક્તો માટેની ટીફિન સર્વિસ-માનવ સેવા સહિત સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ માટે જાગૃતિ કેળવવા ખડે પગે રહ્યા હતા. સેટરડે સ્કૂલ, વિવિધ ગામ અને મંદિરો તરફથી સાંસ્કૃતિક આઈટમ્સ રજૂ થવા ઉપરાંત, શ્રી સ્વામિનારાયણ મંદિર ઈસ્ટ લંડનના પુલકિતભાઈએ સનાતન ધર્મ વિશે રજૂઆત કરી હતી.
શ્રી સ્વામિનારાયણ મંદિર સ્ટેનમોર, શ્રી સ્વામિનારાયણ ચેમ્પલ વિલ્સડેન, શ્રી સ્વામિનારાયણ મંદિર વુલીચ, શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ ઈસ્ટ લંડન અને શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ હેરો તેમજ તમામ ગામના સભ્યો અને હરિભક્તોએ 6000થી વધુ લોકો માટે કોમ્યુનિટી લંચ તૈયાર કરવામાં સેવા આપી હતી. ભોજનમાં કૂકિંગ સ્ટેશન્સમાં તૈયાર કરાયેલા તાજા રોટલા, કઢી, ભાત, શિરો, વેગન વિકલ્પો સાથેના જમણવારને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.
કચ્છ એક્ઝિબિશનમાં કચ્છની ઈન્ડે-સરસ્વતી સભ્યતાના પુરાતત્વીય કળાનમૂનાના ફોસિલ્સ સહિત ભારતીય વારસા વિશે માહિતી અપાઈ હતી. ડો. હીરજી ભુડીઆ દ્વારા પરંપરાગત સ્પેસિમેન્સ, રેકોર્ડ્સ, પૂર્વજો અને જિનેટિક રેકોર્ડ્સ રજૂ કરાયા હતા. બાળકો માટે કિડ્ઝ ઝોન પણ રખાયો હતો.
ઊજવણીનો મુખ્ય હેતુ નિર્માણ પામી રહેલા ઈન્ડિયા ગાર્ડન્સ માટે નાણાભંડોળ એકત્ર કરવાનો પણ હતો. મેળાના કન્વીનરો કિરણભાઈ દેવરાજ પિંડોરીઆ, નીરાબહેન મોહન હિરાણી, માવજીભાઈ ધનજી જાદવા વેકરીઆએ ઈવેન્ટને સફળ બનાવવા બદલ વોલન્ટીઅર્સ સહિત સહુનો આભાર માન્યો હતો. વધુ માહિતી કે દાન આપવા માટે વેબસાઈટ www.sklpc.comની મુલાકાત લઈ શકાશે.