અમદાવાદઃ શહેરના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ગુજરાતની પ્રથમ ISO 9001:2015 પ્રમાણિત સંસ્થાનું સન્માન મેળવ્યું છે. આ સાથે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ગુજરાતની પ્રથમ ISO: 2015 પ્રમાણિત સંસ્થા બની છે. જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે અમદાવાદના જાસપુર ખાતે 100 વીઘા જમીનમાં 1000 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ ઉમિયાધામ સાકાર થઇ રહ્યું છે. આસ્થાનું આ કેન્દ્ર વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર હશે જ સાથોસાથ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બની રહેશે. વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ કલ્ચરલ, બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિ સાથે આસ્થા - એકતા અને ઊર્જાના ધામ તરીકે કાર્યરત છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર. પી પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્થાના વિઝન, મિશન અંતર્ગત થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓને વિશ્વ કક્ષાની ગુણવત્તા પ્રદાન કરવા અંતર્ગત સંસ્થાએ ક્વોલિટી મેનેજમેન્ટની સિસ્ટમથી સંસ્થાની પારદર્શિતા, કાર્યક્ષમતા, વિશ્વાસ અને વૈશ્વિક ધારાધોરણના અમલીકરણથી લોકોના જીવનની ઉચ્ચ ગુણવત્તાની અપેક્ષાઓને સંતોષવાના અભિગમથી ISO 9001:2015 મેળવવા અરજી કરી હતી.