અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી નિહાળવાના મને અસંખ્ય અમોલા અવસર પણ સાંપડ્યા છે. જરાક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો...
સ્વામીબાપા, યોગીબાપા અને શાસ્ત્રી મહારાજના સૌપ્રથમ દર્શન મને બોચાસણમાં 1949માં થયા હતા. મારા દાદા - મણિભાઇ - સાથે શાસ્ત્રી મહારાજને 1895ની સાલથી ખૂબ નિકટનો સંબંધ. વિવેકસાગર સ્વામી અને ઇશ્વરચરણ સ્વામીએ શાસ્ત્રી મહારાજના પત્રોનું સંકલન કરીને એક દળદાર પુસ્તક તૈયાર કર્યું છે તેમાં અનેક સ્થળે દાદાજીનો નામોલ્લેખ છે.
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનનું પહેલું મંદિર બોચાસણમાં બન્યું. તે સમયે 1906માં મારા દાદા સેવામાં હતા. તેમની સાથેની યાદોને ખુદ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજે નિસ્ડન સ્વામિનારાયણ મંદિરમાં એક પ્રવચન દરમિયાન તાજી કરી હતી તેને હું મારું સર્વોચ્ચ સદભાગ્ય સમજું છું. આમ તો સ્વામીબાપાનું આ પ્રવચન ‘ગુજરાત સમાચાર’ના 6 ઓક્ટોબર 2007ના અંકમાં શબ્દશઃ પ્રકાશિત થયું છે. આપ સહુમાંથી ઘણાએ તે વાંચ્યું પણ હશે, પરંતુ આજે સ્વામીબાપાની વાત ચાલી રહી છે ત્યારે હું આ પ્રસંગને ટાંકતા, તેમના પ્રવચનના અંશોને રજૂ કરતાં મારી જાતને રોકી શકતો નથી.
•••
‘શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં મંદિર કર્યું સૌથી પહેલું. એ મંદિરની પ્રતિષ્ઠા વખતનો એક પ્રસંગ છે. અત્યારે સ્વાગતમાં આપણા સી.બી. પટેલ - ગુજરાત સમાચારના તંત્રી પધાર્યા. આપ બધા જાણો છો ને ઓળખો છો. તે સમયે યજ્ઞ કરવામાં આવેલો. પછી યજ્ઞસ્થળેથી મૂર્તિ ઠાકોરજી જ્યાં બેસે એ ખંડમાં લઈ જવા માટે અક્ષર ને પુરુષોત્તમ એમ બે ધાતુની મૂર્તિઓ હતી. બીજી મૂર્તિઓ પણ હતી. તે વખતે મૂર્તિઓને સ્થાપન માટે ઠાકોરજી પાસે લઈ જવા જે ચાર-પાંચ હરિભક્તો હતા તેમાં આ જે આપણા સી.બી. પટેલ છે એમનાં દાદા પણ હતા. મણિભાઈ એમનું નામ.
(મણિભાઇનો) મને બહુ સારો પરિચય છે કેમ કે હું ત્યાં રહેલો છું. ભાદરણમાં ભણેલો છું અને મારી એમને બહુ ખબર. અમે નાના સંતો હતા એટલે અમારી ખબર બહુ રાખે. દરરોજ નવ વાગ્યે એ મંદિરે આવે. લાલ પાઘડી, લાંબો કોટ, ધોતીયું ને ખભે ખેસ. હાથમાં ચાંદીની લાકડી. કથા સાંભળે, માળા ફેરવે અને પછી જાય. પણ દરરોજ પૂછે કેમ છે? શું છે બધું? અમે નાના સંતો ખરાને એટલે. અને શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા કે સાધુ રહ્યા છે તેમની ખબર રાખવી. વળી ગામના આગેવાનોમાં મુખ્ય હતા. તુલસીભાઈ બકોરભાઈ અમીન, વરજભાઈ વાઘજીભાઈ એવા બધા આગળ પડતા નામમાં એમની ગણતરી હતી. આપણું બોચાસણનું મંદિર ખૂબ સારી રીતે શરૂ થયું ત્યારથી એમની આ નિષ્ઠા હતી. શાસ્ત્રીજી મહારાજને વિશે અપરંપાર ભાવ અને તેમની આજ્ઞામાં રહીને બધું કાર્ય કરે. તો એ વખતે મૂર્તિને ઉપાડવા એમના દાદાશ્રી પણ હતા.
મૂર્તિ ઉપાડવાની થઈ ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિ સહેજે સ્વાભાવિક રીતે ઉપડી અને નિયત જગ્યાએ બેસી ગઈ. પણ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઉપડે નહીં. આ બે-ચાર જણાએ ઘણા પ્રયત્ન કર્યા પણ મૂર્તિ ઉપડે જ નહીં. ખૂબ પ્રયત્ન કર્યો પછી બધા શાસ્ત્રીજી મહારાજ પાસે ગયા. પ્રાર્થના કરી, ‘સ્વામી! એક મૂર્તિ તો અમે બેસાડી દીધી પણ બીજી મૂર્તિ ઉપડતી નથી.’
સ્વામી ત્યાં આવ્યા ને હાથ જોડીને ગુણાતીતાનંદ સ્વામીને પ્રાર્થના કરી, ‘અમે જે વડતાલથી નીકળ્યા છીએ તે તમારા માટે જ. ભક્ત સહિત ભગવાન અક્ષર ને પુરુષોત્તમની જે વાત છે એટલા માટે આ કર્યું છે. અહીં પહેલું જ મંદિર છે અને પહેલું જ સ્થાપન આપનું થાય છે તો આપ પધારો ને દયા કરો.’ પ્રાર્થના કરી અને પછી કહે ઉપાડો તો આમના દાદા સહિત અન્યોએ મૂર્તિ ઉપાડી તો ઉપડી ગઈ અને હેમખેમ બેસી ગઈ. કહેવાનું શું છે? આવો પ્રસંગ એમના દાદાને મળેલો. એમના દાદાએ આવી સેવા કરેલી. આવો સંબંધ છે આપણો સી.બી. પટેલ સાથેનો. અને એ સંબંધ રાખે છે એ પણ આનંદની વાત છે. આજે શતાબ્દી સ્વાગત સભામાં પધાર્યા એ ખૂબ આનંદની વસ્તુ છે...
એમના પિતાશ્રીની પણ વાત કરું. એમના દાદા પછી પિતાશ્રી બાબુભાઈ હતા. એ પણ સત્સંગી એટલે અમે ભણતા ત્યારે આવતાં. એક વખત બોરસદ કોર્ટમાં કેસ ચાલ્યો. વડતાલવાળાએ આપણા ઉપર કેસ કરેલો. અમે બે-ત્રણ સંતો હતા. ભણતા હતા અને અંબાલાલ ભગત સાથે રહેતા હતા. બહુ સારા ભગત હતા એટલે હરિભક્તોને અંબાલાલ ભગત વિશે ખૂબ પ્રેમ. અમે સંતો એટલે આવે. તે ઘડીએ વડતાલથી ત્રણ-ચાર સાધુઓ અને એક ભગત આવ્યા. ત્યારે અમે ઉપર ભણતા હતા. એ આવ્યા એટલે ઉપર એમનો ઉતારો થયો. નીચે અમારો ઉતારો. પણ એમાં સંતોને જરા આમ પે’લો દ્વેષ તો હોય ને... સવારે કશીભાઈ નામના એક સત્સંગી આવ્યા. વચનામૃતની અંદર વાત નીકળી એમાં તેમણે કશીભાઈનું અપમાન કર્યું. અમે કશીભાઈને કહ્યું આપણે વધુ કંઈ બોલવું નથી એટલે એ ચાલ્યા. કશીભાઈનું અપમાન થયું.
વાત એવી ચાલી કે કશીભાઇએ વડતાલના સાધુનું અપમાન કર્યું છે. વડતાલના સમર્થક એવા વગદાર પરિવારના એક સભ્યે કશીભાઇને દબડાવ્યા. કશીભાઈ તો કંઈ બોલ્યા વગર સ્વામિનારાયણ કરતા ચાલ્યા ગયા.
હવે આ વાતની બાબુભાઈને ખબર પડી કે આજે મંદિરમાં આવું થયું. તરત જ સામેવાળાને સારી ભાષામાં સમજાવી આવ્યા. કોઈનાથી ડરે એવા નહોતા અને કોઈ કહી જાય તે સહી શકે એવા નહોતા. એ પછી બાબુભાઈ મંદિરમાં આવ્યા. અમને કહે શું છે? તમારે જે કંઈ વાત હોય તે કરજો. મેં કહ્યું, ‘કશું અમારે થયું નથી. આ તો સાધુ છે તે બોલ્યા કરે.’
પછી પે’લા સાધુને એમના પિતાશ્રીએ વાત કરી, ‘જો આ મંદિર છે, એમાં આવ્યા છો તો રહો. સારી રીતે રહો. તમે રમો, જમો, કથા-વાર્તા બધું જ કરો. તમારે જોઈશે તો સીધુ દરરોજ મારે ઘરેથી આપી જઈશ. દરરોજ મારા તરફથી તમારે સીધુ જમવાનું અને તમારે જે કથાવાર્તા - ભજન કરવાના હોય તે કરવાના, પણ આ જે અમારા નાના સાધુ છે તે ભગત છે એને કોઈ પણ અડપલું કર્યું તો આ મંદિર તમારે છોડી દેવું પડશે. અહીં રહી શકશો નહીં, અને એમાં તમારું કંઈ ચાલશે નહીં.’ એ લોકોનો વિચાર હતો કે મૂર્તિઓ કાઢી નાંખવી, એટલે એ પણ કહી દીધું કે આ મૂર્તિઓ બેસાડી છે એમાં પણ કંઈ ફેરફાર નહીં થાય. આમાંથી કંઈ પણ થશે તો તમારે અહીં રહેવાશે નહીં. આથી જેટલું તમારે રહેવું હોય એટલું રહો. જ્યારે જે કંઈ વસ્તુ જોઇતી હોય તે મને કહેજો. હું તમને લાવી દઈશ. પણ આ વસ્તુ બનશે તો પછી મારે તમારે બનશે નહીં. આમ બહુ જોરદાર પક્ષ રાખીને વાત કરેલી. કહેવાનું કે બાબુભાઇ આવા શૂરવીર હતા. જેમ દાદા શૂરવીર હતા એમ બાબુભાઈ શૂરવીર હતા...’
•••
1977માં સ્વામીબાપા અહીં આવ્યા હતા. તે સમયે જુદા જુદા વિસ્તારમાં વસતાં હરિભક્તોએ સ્વામીબાપાને પોતાને ત્યાં પધરામણી માટે આમંત્રણ આપ્યું હતું. આ સમયે સ્વામીબાપાને મારી ગાડીમાં જુદા જુદા સ્થળે લઇ જવાની સેવા કરવાનો સોનેરી અવસર મને સાંપડ્યો હતો. હું ગાડી ડ્રાઇવ કરીને તેમને આર્ચવે, હાઈગેટ ફિન્ચલી સહિતના વિવિધ વિસ્તારોમાં પધરામણી માટે લઇ ગયો હતો. આ મુસાફરી દરમિયાન ઘણી વાતે તેમની સાથે સત્સંગ કરવાનો મોકો મળ્યો હતો.
સ્વામીબાપા સાથેનો નાતો જીવનભરનું ભાથું બની રહ્યો છે તેમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. ભારતમાં, પૂર્વ આફ્રિકામાં અને બ્રિટનમાં તેમનું ખૂબ સાંનિધ્ય માણવા મળ્યું. આ સત્પુરુષ સાથે સત્સંગનો અવસર સાંપડ્યો. સ્વામીબાપામાં કંઇક એવું દૈવત હતું જેણે સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા શાંતિલાલને મૂલ્યો, આદર્શ, ધર્મ, સંસ્કૃતિ, પરંપરાના શિખરે બિરાજમાન કર્યા હતા.