બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી જૈન ઓલ પાર્ટી સંસ્થા તથા ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી દર વર્ષે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરે છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે પણ ઓન લાઇન ઉજવણી ૨૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ કરવામાં આવી. જેનું પ્રસારણ વિશ્વવ્યાપી સ્તરે થયું હતું.
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મેહુલ સંઘરાજકાએ જણાવ્યું કે, “ ભગવાન મહાવીરનો સંદેશ છે કે, સર્વ જીવો પ્રત્યે પરસ્પર મૈત્રીભાવ રાખવો જોઇએ કારણકે આપણું જીવન એકબીજા પર અવલંબિત છે. તાજેતરની મહામારી અને COP26 સમીટના સંદર્ભમાં ભગવાન મહાવીરનો સંદેશ આજના સંજોગોમાં મહત્વપૂર્ણ છે. આગામી વર્ષે અમે પર્યાવરણની જાળવણીના થયેલા અન્ય કાર્યોના સંદર્ભમાં વેસ્ટ મિનિસ્ટર પેલેસમાં આ કાર્યક્રમ યોજવાની ભાવના રાખીએ છીએ.’’
જૈન ઓલ પાર્ટી ગ્રૂપના ચેરમેન હેરો વેસ્ટના એમ.પી. ગેરેથ થોમસે સૌનું સ્વાગત કરતા વીડીયો સંદેશમાં કહ્યું હતું કે, “આ સંસ્થાએ જૈન કોમ્યુનિટીના સભ્યો અને મોટી ઉમરની વ્યક્તિઓને સહાયરૂપ થાય એવા ઘણા પ્રોજેક્ટ કરી સમાજની સેવા કરી છે. જ્યારે હેરો ઇસ્ટના એમ.પી. પદ્મશ્રી બોબ બ્લેકમેને કહ્યું હતું કે, “ જૈનોનો અનુકંપાનો સિધ્ધાંત આજના યુગમાં ખૂબ ઉપયોગી અને જરૂરી છે" .
પ્રોગ્રામના આરંભે "વન જૈન" સાથે જોડાયેલાં જૈન સ્ટુડન્ટ એસોસિએશને ભવિષ્યના આયોજનો વિષે અને યુનિવર્સિટીઓમાં સોસાયટી સ્થાપવાની તેમજ વિશાળ પાયા પર કાર્યક્રમો કરવાની પોતાની યોજના પ્રસ્તુત કરી હતી. શ્રોતાઓને સંબોધતા બ્રિટીશ આર્મીના નિરજ શાહે ક્હયું હતું કે, “જૈનો લશ્કરમાં જોડાય એથી એમને એમના સિધ્ધાંતો કે જીવન શૈલી સાથે કોઇ બાંધછોડ કરવી પડતી નથી; બલ્કે એમ કરવાથી એમને નેતૃત્વ અને પ્રવાસની ઘણી તકો મળે છે.”
આ સંસ્થા દ્વારા મહાવીર જન્મ કલ્યાણક ઉજવણીમાં દર વર્ષે સમાજના સભ્યોને એમના વિશિષ્ઠ અનુદાન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવે છે, જેમાં શ્રી અમિત લાઠીયાને "ધ વન જૈન યંગ પર્સન્સ એવોર્ડ", શ્રી અશ્વિન મહેતાને " ધ વન જૈન એક્સેલન્સ ઇન કમ્યુનિટી સર્વિસ", જૈન સમાજ માટે પાયાનું કામ કરવા માટે સ્વ. ડો. નટુભાઇ શાહ (MBE)ને અને પ્રો.કાંતિ મારડીયાને "લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ" આપવામાં આવ્યો હતો. સૌ વિજેતાઓને હાર્દિક અભિનંદન.
એવોર્ડ વિજેતાઓ :
• શ્રી અમિત લાઠીયા
• સ્વ.ડો. નટુભાઇ શાહ MBE
• શ્રી અશ્વિન મહેતા
• પ્રો.કાંતિ મારડીયા