પ.પૂ. યુગદિવાકર અાચાર્યશ્રી ધર્મસુરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના અાચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસુરી મહારાજ સાહેબ અસ્વસ્થ તબિયતના કારણે શુક્રવાર તા. ૫ જુન ૨૦૧૫ના રોજ સાંજે મુંબઇ ખાતે ૮૪ વર્ષની વયે કાળધર્મ પામ્યા હતા.
બીજા દિવસે શનિવારના રોજ સદ્ગતની અંધેરી વેસ્ટ, મુંબઇથી ભાયંદર બાવન જીનાલય સુધીની ૨૯ કિ.મી. લાંબી પાલખી યાત્રામાં એમના પટ્ટ શિષ્ય અાચાર્ય રાજરત્ન સહિત ૧૧ શ્રમણીજીઅો પણ જોડાયાં હતા. અંતિમ યાત્રામાં ૬ બેન્ડોએ ભક્તિગીતોની ધૂન મચાવી હતી. અંતિમ સંસ્કાર વખતે કરૂણ સુરાવલિઅોએ સૌ ભાવિકોની અાંખો અશ્રુ સજળ બની હતી. સેંકડો યુવાનોએ પાલખી ઉઠાવવાનો લાભ લીધો હતો. એક લાખ ભાવિકોએ મહારાજશ્રીના અંતિમ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. અંતિમ યાત્રાની વિવિધ બોલીઅોનો અાંક રૂા. ૫ કરોડે પહોંચ્યો હતો. જીવદયા ફંડમાં રૂા. ૭૦ લાખ બોલી થઇ હતી. અાચાર્ય રાજરત્નશ્રીએ જણાવ્યું હતું કે, મુંબઇમાં ૩૩ વર્ષ પહેલા ૨૧ કિ.મી. લાંબી યાત્રા અાચાર્યશ્રી ધર્મસુરીશ્વરજીની નીકળ્યા બાદનો અા વિક્રમ છે. જૈન શાસનમાં એ સુવર્ણ અક્ષરે લખાશે.
૧૬ વર્ષની વયે ડભોઇ, જિ.વડોદરા ખાતે દિક્ષા ગ્રહણ કરી હતી. ૬૮વર્ષની દિક્ષા દરમિયાન જૈન સમાજ અને માદરે વતન ડભોઇ ખાતે એમનું અનુદાન અનન્ય રહ્યું છે. માદરે વતન ડભોઇની પાંજરાપોળ તથા અન્ય ત્રણ સ્થળોએ ગુરૂ મંદિર બંધાશે. અને ૪૦ સંઘોમાં ગુરૂપર્વ મહોત્સવ ઉજવાશે. ગુરૂદેવના જીવન ચરિત્રનો દળદાર અંક બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે.
અાચાર્યશ્રી સૂર્યોદયસૂરીશ્વરજી કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબેન ડી. અાર. શાહના સંસારી મામાજી થાય છે. અમારા જીવનમાં એમનો ઉપકાર અગણિત છે.