આણંદઃ જ્ઞાન સંપ્રદાયના સપ્તમ કુવેરાચાર્ય અવિચાલદાસજી મહારાજની પ્રેરણાથી ચતુર્થ દિવસીય પરમગુરુ સાર્ધદ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 25 જાન્યુઆરીએ વિરાટ ધર્મ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં પધારેલા અખિલ ભારતીય સંત સમિતિના પદાધિકારીઓ અને વિવિધ પરંપરાઓના આચાર્ય, મહામંડલેશ્વરો, શ્રીમહંતો અને જગદગુરુ શંકરાચાર્ય, જગદગુરુ રામાનંદાચાર્ય દ્વારા આચાર્ય અવિચલદાસજી મહારાજના જીવનકાર્યો, સામાજિક, શૈક્ષણિક અને હિન્દુ ધર્મજગતમાં અભૂતપૂર્વ રાષ્ટ્રીય યોગદાન બદલ જગદગુરુની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા કાજે હિન્દુ સમાજનું સંગઠન આજના સમયની માગ છે.
અખિલ ભારતીય સંત સમિતિના અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવીન્દ્રપુરીજી મહારાજ દ્વારા આચાર્યને અનંત વિભૂષિત શ્રીમદ જગદગુરુ કુવેરાચાર્ય અવિચલદેવાચાર્ય મહારાજ તરીકે સંબોધવાની ઘોષણા કરવામાં આવી અને તમામ સંતો દ્વારા સહર્ષ વધાવી લેવામાં આવી હતી. જગદગુરુ પદની પદવી પ્રાપ્ત કર્યાં અવિચલદેવાચાર્યજી મહારાજે પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, સંતોનું માનવું છે કે દરેક સંપ્રદાયમાં જગદગુરુ હોય છે, ત્યારે તમે એક સંપ્રદાય પૂરતા મર્યાદિત નથી પરંતુ સમગ્ર હિન્દુ સમાજ સાથે નાતો ધરાવો છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છો જે સમિતિ દેશભરના 127 સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરે છે, જેથી મારો જગદગુરુ તરીકે વિધિવત્ પટ્ટાભિષેક કરવામાં આવ્યો છે. જગદગુરુ પદ એક સંપ્રદાય માટે નહીં પરંતુ સમગ્ર સનાતન હિન્દુ ધર્મના આચાર્ય તરીકેની સ્થિતિ ઉભી કરે છે. હિન્દુ સમાજના સંગઠનની તાતી જરૂરિયાત છે, હિન્દુ ધર્મ બે પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યો છે જેમાં બાહ્ય પડકારો અને આંતરિક પડકારોનો સમાવેશ થાય છે. જેથી બાહ્ય પડકારો સાથે સમાજને સંગઠિત કરવો છે અને આંતરિક પડકારો માટે અલગ અલગ સંપ્રદાય, અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજ વચ્ચે અંતરને દૂર કરીને સમરસ સમાજ ઉભો કરવાના કાર્યોમાં વિશેષ રૂચિ છે જે ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા માટે આવશ્યક છે.