રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને પગલે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકો પડોશી દેશોમાં આશ્રય લેવા માટે નાસી છૂટ્યાં હતા. ભારતીય નાગરિકો અને મુખ્યત્વે વિદ્યાર્થીઓ આ સંઘર્ષમાં અટવાઈ પડ્યા હતા. BAPS સંસ્થાના યુકે, આયર્લેન્ડ, ફ્રાંસ, સ્વીત્ઝર્લેન્ડ, ઈટાલી, જર્મની, ઓસ્ટ્રિયા અને પોલેન્ડના વોલન્ટિયર્સ રાહત અભિયાનમાં મદદરૂપ થવા જોડાઈ ગયા હતા. તેમાં પોલેન્ડના દક્ષિણ - પૂર્વમાં આવેલા ઝેસ્ઝો શહેરમાં મોબાઈલ કીચનનો સમાવેશ થતો. તેમાં તમામ ધર્મ અને રાષ્ટ્રીયતાના શરણાર્થીઓ માટે દરરોજ 1,000હોટ વેજિટેરિયન મીલ તૈયાર કરીને અપાતા હતા.
ન્યૂજર્સીના રોબિન્સવિલથી પણ BAPS સ્વામીનારાયણ સંસ્થાના વોલન્ટિયર્સ યુક્રેનની સરહદે આવેલા પોલેન્ડના ઝેસ્ઝો અને બુડોમિર્ઝ ખાતે મદદ માટે પહોંચ્યા હતા. રોબિન્સવિલના મેયર ડેવ ફ્રાઈડે રવિ પટ્ટણી અને તેમના સાથી વોલન્ટિયર્સની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુક્રેનના લોકોને મદદ કરવા બદલ રોબિન્સવિલ તરફથી તેઓ BAPS અને તેમના પ્રયાસો માટે ગર્વની લાગણી અનુભવે છે. હાલ ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહેલા યુક્રેનના લોકોને ટાઉનશીપ તરફથી મદદ કરવા સાથે મળીને કામ કરી શકીશું તેવી આશા છે.
વ્યવસાયે એટર્ની અને શરણાર્થી શિબિરમાં સેવા આપતા દર્ષન પટેલે જણાવ્યું હતું કે યુક્રેન છોડી જતાં વિદ્યાર્થીઓ અને શરણાર્થીઓને મદદ કરવાનું જરૂરી લાગતાં તેઓ ફ્લાઈટ દ્વારા પોલેન્ડ પહોંચ્યા હતા. તેમને વધુ નહીં તો ભોજન અને મુખ્ય જરૂરિયાતોની ચીજવસ્તુઓ પૂરી પાડીને હાલના સમયમાં તેમને રાહત તો આપી શકીએ.
પેરિસથી આવેલા વોલન્ટિયર શૈલેશ ભાવસારે જણાવ્યું હતું કે તેઓ કેમ્પમાં આવે એટલે તેમનું રજિસ્ટ્રેશન કરાય છે. વતનની ફ્લાઈટ માટે એરપોર્ટ જવા માટેની પ્રક્રિયા કરતાં પહેલા તેમને ભોજન અને રહેવા તથા આરામ કરવા માટે જગ્યા અપાય છે.
ફાર્માસ્યુટિકલ પ્રોફેશનલ ધાર્મિક શેઠે જણાવ્યું હતું કે નિઃસ્વાર્થ સેવા દ્વારા અન્ય લોકોને મદદ કરવી તે એટલે કે સેવા કરવી તે BAPS સ્વામીનારાયણ સંસ્થાનો સિદ્ધાંત છે. તેઓ તેમના ધર્મને અને પરિવારની પરંપરાને અનુસરે છે.
પૂ. મહંત સ્વામીએ પણ આ સંઘર્ષના અસરગ્રસ્ત લોકોના કલ્યાણ માટે અને શાંતિ સ્થપાય તે માટે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને મદદ, શક્તિ અને હિંમત પૂરા પાડે છે. તેમણે વોલન્ટિયર્સનો પણ આભાર માન્યો હતો.