અમદાવાદઃ પૂજ્ય ગુરુદેવ રાકેશજીની નિશ્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુર દ્વારા પર્યુષણ પર્વની ધર્મોલ્લાસભેર ઉજવણી થઇ હતી, જેમાં દેશવિદેશથી હજારોની સંખ્યામાં ભાવિકોએ જોડાઇને તેમના સત્સંગનો લાભ લીધો હતો. વિશ્વભરમાં દરેક જીવને શાશ્વત શાંતિ અને અનંત સુખના માર્ગની પ્રાપ્તિ થાય તે માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન વિશ્વની સાત ભાષાઓમાં કાર્યરત યૂટ્યૂબ ચેનલોમાં પૂ. ગુરુદેવ રાકેશજીના ડબ કરેલા સત્સંગ - ધ્યાન વગેરે બતાવે છે. આ ચેનલો 191 દેશોમાં જોવાય છે અને તેના લાખો સબસ્ક્રાઇબર્સ છે. આ ચેનલો પર આવતાં પ્રતિભાવો દર્શાવે છે કે પૂ. ગુરુદેવના સત્સંગથી અનેક હૃદય પરિવર્તન થઇ રહ્યા છે.
પર્યુષણ મહાપર્વ 2023ના મંગલ પર્વે શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરે આધ્યાત્મિક જગતમાં ઐતિહાસિક પરિવર્તન લાવનારી ભેટ સાધકો માટે પ્રસ્તુત કરી છે. અને તે છે - AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ના ઉપયોગથી પૂ. ગુરુદેવ રાકેશજીનો સત્સંગ તેમના જ દિવ્ય અવાજમાં અંગ્રેજી, હિન્દી, ફ્રેન્ચ, સ્પેનિશ, મેન્ડેરીન, રશિયન, જર્મન અને પોર્ટુગીઝ એમ આઠ ભાષામાં રજૂ થયા છે!
ટેક્નોલોજીનો આ નૂતન ઉપયોગ આધ્યાત્મિકતાને પ્રોત્સાહન આપી વિશ્વમાં શાંતિ અને પવિત્રતા પ્રસરાવવાના પૂ. ગુરુદેવના વિઝનને આગળ વધારવામાં ક્રાંતિકારી પગલું સાબિત થશે એમ કહી શકાય. સાથે જ આ ભાષાઓમાં નવા સોશિયલ હેન્ડલ્સ પણ શરૂ કરાયા છે. આમ કુલ 36 સોશિયલ મીડિયા પેજ દ્વારા તેમનો સંદેશ વિશ્વના ખૂણે ખૂણે વસેલા જિજ્ઞાસુઓ સુધી પહોંચશે.
આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના વાઇસ પ્રેસિડેન્ટ આત્માર્પિત નેમિજીએ કહ્યું હતું કે, ‘આ રજૂ થયેલી ટેક્નોલોજી બતાવે છે કે અદ્યતન સોફ્ટવેર અને અલ્ગોરિધમ્સ સાથે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સકારાત્મક રીતે કરી શકાય તો તે વિશ્વમાં સુખ શાંતિ લાવી શકે તેમ છે. પૂ. ગુરુદેવની સ્વાનુભવમાંથી નીકળતી ગહન વાણી તેમના જ દિવ્ય અવાજમાં હવે દેશ અને ભાષાના સીમાડાઓ ઓળંગીને વિશ્વભરના જિજ્ઞાસુઓને જીવન રૂપાંતરણમાં મદદરૂપ બનશે.’